અમદાવાદ : શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમીકલ ફેક્ટરીમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. વિકરાળ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને આસપાસના ઇન્ડ્સ્ટ્રીયલ એકમોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
જો કે, અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ ૧૦ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી જઈને સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ચાંગોદર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નીરવ કેમીકલ નામની ફેક્ટરીમાં આજે કોઇક કારણસર રેઝીન કેમીકલનો જથ્થો હતો, તેમાં અચાનક આગ લાગી હતી. કેમીકલ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનો દસથી વધુ ફાયર ફાઇટર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમયસર આગને કાબુમાં લઇ લીધી હતી.
જો કે, આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, ચાંગોદર એ વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ત્યાં છાશવારે આવી આગની ઘટનાઓ બનતી રહે છે, જેથી કયારેક કોઇ મોટી દુર્ઘટના કે હોનારત ના સર્જાય તેની સતત દહેશત બની રહે છે તેવા સંજાગોમાં અગાઉ ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એસોસીએશન દ્વારા પણ સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને આ વિસ્તારમાં ખાસ ફાયરસ્ટેશન ઉભુ કરવા માંગણી કરેલી છે પરંતુ હજુ સુધી તેની પર કોઇ નિર્ણય લેવાયો નથી.
સૌથી નોંધનીય વાત એ છે કે, ચાંગોદર ઇન્ટ્રસ્ટીયલ એરિયામાં કોઇ એકમમાં આગ લાગે ત્યારે અમદાવાદ ફાયરબ્રિગેડના જવાનોને અમદાવાદના શહેરી વિસ્તારના ટ્રાફિકમાંથી નીકળીને ત્યાં પહોંચતા ઓછામાં ઓછી ૪૫ મિનિટ લાગે અને તેથી ત્યાં સુધી ઘણી વાર વાત કાબૂ બહાર જતી રહે તેવું પણ જોખમ બની રહે છે ત્યારે સત્તાવાળાઓએ એસોસીએશનની નવા ફાયરસ્ટેશનની દરખાસ્ત પરત્વે તાકીદે નિર્ણય લેવો જોઇએ તેવી પણ સ્થાનિક એકમોમાં આજે ભારે ચર્ચા ચાલી હતી.