વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે કામ કરતા કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ (પીએફ)માં યોગદાન ઘટાડી દેવા માટેના વિકલ્પ આપી શકે છે. જેથી તેમને વધારે પગાર ઘરે લઇ જવા માટેની તક મળશે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આના કારણે વપરાશ માંગમાં વધારો થઇ શકે છે. જેના કારણે આર્થિક સુસ્તીને દુર કરવામાં મદદ મળી શકે છે. આર્થિક સુસ્તીને દુર કરીને માંગમાં તેજી આવે તેવા પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યા છે. હાલમાં આર્થિક સુસ્તીના કારણે ઇકોનોમિક ગ્રોથમાં ઘટાડો થયો છે. શ્રમ મંત્રાલયના એક પ્રસ્તાવ મુજબ પીએમાં કંપનીનુ યોગદાન ૧૨ ટકાના વર્તમાન સ્તર પર રહી શકે છે. આ તમામ બાબતો સોશિયલ સિક્યુરીટી બિલ ૨૦૧૯માં સામેલ કરવામાં આવી છે. જેને ગયા સપ્તાહમાં કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. મંત્રાલય દ્વારા એમ્પ્લોયઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) અને એમ્પ્લોયઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની વર્તમાન સ્વાયત્તતાને જાળવી રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો કે પહેલા તેને કોર્પોરેટ જેવા સ્વરૂપ આપી દેવાની વાત કરવામાં આવી હતી. આ બિલ મારફતે દેશમાં ૫૦ કરોડ લોકોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં સરકાર વધુ એક મોટુ પગલુ લેવા જઇ રહી છે. આ બિલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એક સામાજિક સુરક્ષા ફંડ સોશિયલ સિક્યુરિટી ફંડ બનાવવા માટેની વાત થઇ રહી છે. ધ્યાન માત્ર વર્કરોની ભલામણ અને તેમના કલ્યાણ પર કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. તમામ વર્કરોને પેન્શન, મેડિકલ, બિમારી, માતૃત્વ, મૃત્યુ અને વિકલાંગતા સાથે જોડાયેલા કલ્યાણ લાભ આપવામાં આવનાર છે. એક સરકારી અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે અહેવાલમા કેહવામાં આવ્યુ છે કે અમે તમામ વિવાદાસ્પદ પ્રસ્તાવને દુર કરી ચુક્યા છીએ. શ્રમ મંત્રાલય દ્વારા ઇપીએફઓ ગ્રાહકોને નેશનલ પેન્શન સિસ્ટમમાં શિફ્ટ કરવા માટેના વિકલ્પને પણ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. તેના દ્વારા આ મામલે નાણાં મંત્રાલયની સલાહ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે.
નવા બિલમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ૧૦ વર્કરો કામ કરી રહ્યા છે કે ઇએસઆઇસીના ફાયદા મળનાર છે. આ બાબત ખતરનાક કામ કરતા કર્મચારીઓ માટે તો ફરજિયાત રાખવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, સુપરરિચ સરચાર્જને નાબૂદ કરવા, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા અને બેંકોમાં નાણાં ઠાલવવાની કેન્દ્ર સરકારની નીતિના પરિણામ સ્વરુપે અર્થતંત્રમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. સરકાર દ્વારા ઇકવીટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે. છેલ્લા થોડાક મહિનાઓમાં મૂડી પ્રવાહમાં સતત ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. આર્થિક સુસ્તીને દુર કરવા માટે હજુ કેટલાક મોટા પગલા લેવાની હિલચાલ ચાલી રહી છે. જેના ભાગરૂપે જીએસટીના મોરચા પર મોટા પાયે ફેરફાર કરવામાં આવી શકે છે. સરકાર વિવિધ વિકલ્પો આપવા માટે વિચારી રહી છે.