અમદાવાદ: આવકવેરા વિભાગ આગામી તા.૧ ઓક્ટોબરથી કરદાતાની ઈ-એસેસમેન્ટ સિસ્ટમમાં હવે ધરખમ ફેરફાર કરવા જઈ રહ્યો છે અને તે મુજબ હવે કરદાતાને ઈ-એસેસમેન્ટની નોટિસ મળશે ત્યારે તેને ખબર પડશે નહીં કે કયા આવકવેરા અધિકારી દ્વારા તેને નોટિસ મોકલવામાં આવી છે. જ્યુરિડિકશન ફ્રી એસેસમેન્ટ સિસ્ટમ આગામી મહિનાથી પાઇલટ પ્રોજેક્ટ તરીકે અમલી થઈ રહી છે, જેમાં અમદાવાદ સહિત ગુજરાતનું એક શહેર પસંદ કરાશે. ત્યારબાદ ક્રમશઃ રાજ્યભરમાં અને દેશભરમાં આ સિસ્ટમ અમલી થઈ જશે. અમદાવાદમાં આ પદ્ધતિ ઓક્ટોબરથી લાગુ પડશે.
કરદાતાને નોટિસનો ખુલાસો કરવાની તક મળશે, પરંતુ અધિકારી અને કરદાતા વચ્ચે સવાલ-જવાબ, ખુલાસા, દસ્તાવેજો અપલોડ કરવાના, તમામ બાબતોની આપલે માત્ર ઓનલાઇન થશે. સમગ્ર વહીવટને પારદર્શક બનાવવા માટે આ એડ્વાન્સ સ્ટેપ લેવાનું આવકવેરા વિભાગે નક્કી કર્યું છે. જ્યુરિડિક્શન ફ્રી એસેસમેન્ટમાં કરદાતા ક્યારેય આવકવેરા અધિકારીનું નામ જાણી શકશે નહીં. મેન્યુઅલ એસેસમેન્ટ બંધ થવાથી હવે કરદાતા, તેના સીએ અને આવકવેરા અધિકારી ઓફિસમાંથી ઓનલાઇન કામ કરશે. અધિકારી કરદાતાને મળશે નહીં કે કોઈ ડિમાન્ડ કરી શકશે નહીં તો બીજી તરફ કરદાતા પણ અધિકારીને કોઈ લાંચ ઓફર કરી શકશે નહીં.
કરદાતાએ મળેલી નોટિસમાં પૂછેલા તમામ જવાબો ફરજિયાતપણે મેઈલથી જ આપવાના રહેશે. જો કરદાતા કોઈ બાબત નહીં સમજે કે સ્પષ્ટીકરણ કરવામાં સફળ નહીં થાય તો ઓર્ડર ઇશ્યૂ થઈ જશે, જેના કારણે કરદાતાની હેરાનગતિ વધી શકે છે અથવા તો તેને કન્સલ્ટન્ટ કે સીએની મદદ જવાબ આપવા માટે લેવી પડશે. ફ્રી એસેસમેન્ટ એક પોર્ટલ પર કામ કરશે અને પોર્ટલ દ્વારા જ કરદાતાને નોટિસ આપવામાં આવશે. ઓનલાઈન લોગ ઇન પર નોટિસ તરત જ કરદાતાને રિફ્લેક્ટ કરશે અને કરદાતા તેનો જવાબ રજૂ કરશે. તે જવાબ અધિકારીના લોગ ઇન પર રિફ્લેક્ટ કરશે. મેઇલના બદલે ઓનલાઇન લોગ ઇન પર વધુ કામ રહેશે. કરદાતાઓએ આ સિસ્ટમ અમલી થતાં જ ફર?જિયાત કમ્પ્યૂટર સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વસાવવું પડશે. શરૂઆતના તબક્કે કરદાતાને કઇ રીતે જવાબ આપવો તે બાબતે પણ મુશ્કેલી પડી શકે છે.