લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદથી તમામ મોટા રાજકીય પક્ષોની નજર ઉત્તરપ્રદેશ પર કેન્દ્રિત થઇ ગઇ છે. કેન્દ્રમાં સરકાર કોની બનશે તેમાં હમેંશા ઉત્તરપ્રદેશની ભૂમિકા નિર્ણાયક રહે છે. કારણ કે અહીં લોકસભાની સૌથી વધારે ૮૦ સીટો રહેલી છે. આ ૮૦ સીટો પૈકી મોટા ભાગની સીટો કબજે કરવા માટે ભાજપ-એનડીએના સાથી પક્ષો તેમજ બીજી બાજુ સમાજવાદી પાર્ટી-બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધને તમામ તાકાત લગાવી દીધી છે.
ઉત્તરપ્રદેશના રાજકીય ઇતિહાસમાં હમેંશા એકબીજાની સામે રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ મોદીની વધતી તાકાતને રોકવા માટે હાથ મિલાવી લીધા છે. આવી સ્થિતીમાં ભાજપની સામે મોટી સમસ્યા આવી શકે છે. ગઠબંધન કરવામાં આવ્યા બાદ કોણ કેટલી સીટો પર બાજી મારશે તે અંગે કહેવુ મુશ્કેલ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે નુકસાન થશે.
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યા બાદ જાણકાર રાજકીય પંડિતો કહે છે કે યુપીમાં સપા અને બસપાની વચ્ચે ગઠબંધનના પરિણામ માત્ર સીટોની હાર જીત સુધી જ મર્યાદિત રહેનાર નથી બલ્કે આ પરિણામથી જે સંદેશા નિકળશે તેનાથી દેશમાં ભવિષ્યની રાજનીતિ પણ નક્કી થનાર છે. હકીકતમાં આ ગઠબંધનની પણ પરીક્ષા લોકસભાની ચૂંટણીમાં થનાર છે. દેશની બે મોટી વોટ બેંક કઇ રીતે એકબીજાની સાથે આવી શકે છે તે બાબત પર નજર રહેશે. તેમની સાથે આવવાથી કેવી પ્રતિક્રિયા આવે છે તે બાબત ઉપયોગી રહેશે. જે લોકોને યુપીમાં ૨૦૧૭ની ચૂંટણીના પરિણામ યાદ છે તે સારી રીતે કેટલીક બાબતોને જાણે છે. આ લોકોને બસપના વડા માયાવતીના ડીએમ એટલે કે દલિત અને મુસ્લિમ દાવ પણ યાદ હશે. માયાવતી દલિત અને મુસ્લિમ સમીકરણના સહારે ૨૦૧૭માં મોદી લહેરને રોકવા માટે ઇચ્છુક હતી.
તેમનુ કહેવુ હતુ કે જો ૨૩ ટકા દલિત અને ૧૮ ટકા મુસ્લિમ એક સાથે આવી જશે તો ત્યારબાદ ૪૧ ટકા લવોટ મારફતે તેમની સરકાર બનાવવાથી કોઇ તેમને રોકી શકે તેમ નથી. જા કે માયાવતીના સમીકરણ ફ્લોપ સાબિત થયા હતા. આનુ એક કારણ એ હતુ કે સમાજવાદી પાર્ટી પણ બસપની સામે ચૂંટણી લડી રહી હતી. જેના કારણે મુસ્લિમ મતદારો પૈકી એક મોટો હિસ્સો સપાની સાથે જતો રહ્યો હતો. દલિત વોટને પણ સંગઠિત રાખવામાં માયાવતીને સફળતા મળી ન હતી. જો કે આ વખતે સ્થિતી બદલાઇ રહી છે. વર્ષ ૨૦૧૭માં પરિણામ મળ્યા બાદ માયાવતીને સમજાઇ ગયુ હતુકે ડીએમની સફળતા સપા અને બસપા એક સાથે નહીં આવે તો હાથ લાગશે નહીં. ત્યારબાદ ગૌરખપુર, ફુલપુર અને કેરાનામાં બંને સાથે થઇ ગયા હતા. જેના કારણે સફળતા હાથ લાગી હતી. અખિલેશ યાદવ પણ કહી ચુક્યા છે કે ભાજપના અહંકારને તોડવા માટે સપા અને બસપા સાથે આવે તે જરૂરી છે.
બસપના વડા એમ કહી રહ્યા છે કે આ સમજુતી માત્ર લોકસભા ચૂંટણી સુધી મર્યાિદત નથી. વિધાનસભા ચૂંટણી સુધી જારી રહેશે તો આની પાછળ માયાવતી ગઠબંધન મારફતે તૈયાર થઇ રહેલી વોટબેંકને પણ જાઇ રહ્યા છે. દલિત-મુસ્લિમ યાદવ બેઝની સાથે સાથે અતિ પછાત જાતિઓ પણ સાથે આવી શકે છે. આ વોટ બેંક મારફતે માયાવતી અને અખિલેશ યાદવને માત્ર યુપીમાં જ મોદી લહેરને રોકવા માટેની આશા દેખાઇ રહી નથી બલ્કે આ સમીકરણના સહારે અન્ય રાજ્યમાં પણ સફળતા મળવાની આશા છે. આમાં કોઇ શંકા નથી કે જા યુપીમાં સપા-બસપા સાથે આવીને સફળતા મેળવી લેશે તો નજીકના ભવિષ્યમાં દેશમાં રાજનીતિ પણ બદલાઇ જશે. જો કે માયાવતી પોતાના અનિશ્ચિત વ્યવહારના કારણે ઓળખાય છે. આવા ગઠબંધન લાંબા ચાલશે કે કેમ તેને લઇને શંકા રહેલી છે. જો આ ગઠબંધનના કારણે લાંબા ગાળાના લાભ મળશે તો કોઇ ગઠબંધનને તોડવા માટે ઇચ્છુક રહેશે નહીં. દલિત-મુસ્લિમ સમીકરણ સફળ રહેવાની સ્થિતીમાં ભાજપ માટે મુશ્કેલી વધી જશે. સાથે સાથે કોંગ્રેસ માટે પણ વધારે મુશ્કેલી ઉભી થશે.
તેના માટે મુખ્ય વિરોધ પક્ષ તરીકે રહેવાની બાબત પણ મુશ્કેલરૂપ બની જશે. જો કે આ ગઠબંધન ફ્લોપ જશે તો તેની અસર પોલિટિક્સ પર થશે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જે રીતે સફળતા મળી હતી તેની પાછળ પણ કારણ એ રહ્યુ હતુ કે દલિત વોટ બેંક પૈકી એક મોટો હિસ્સો તેની સાથે આવી ગયો હતો. વર્ષ ૨૦૧૯ની લડાઇ તેના માટે વધારે સરળ દેખાઇ રહી છે. દલિત વોટ બેંક ભાજપની સાથે જવા માટેના કેટલાક કારણો પૈકી એક કારણ એ પણ હતુ કે તેમનામાં પોતાના હિન્દુ હોવાની ભાવના જાગી હતી. જો કે કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં દલિત પર હુમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે ભાજપ પ્રત્યે દલિતોની નારાજગી જોવા મળી હતી. દલિતોને લાગવા લાગી ગયુ હતુ કે ભાજપ તેમની સ્વાભાવિક પાર્ટી હોઇ શકે નહીં. ભાજપને સારી રીતે માહિતી છે કે દલિત વોટને તેની છાવણીમાંથી જતા રહેવાની સ્થિતીમાં તેને ફટકો પડી શકે છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે યુપીમાં મોટી જીત જરૂરી છે.