2 ઓગસ્ટ 2027ના રોજ આકાશમાં એક અનોખો ચમત્કાર જોવા મળશે. આખી દુનિયામાં ભરબપોરે અંધકાર છવાઈ જશે. કેમ કે, છ મિનિટ સુધી સૂર્ય સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે. જી હા આ એક સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે, જે લગભગ સાડા છ મિનિટ સુધી ચાલેશે. એટલે કે, આ 21મી સદીનું અત્યાર સુધીનું બીજુ સૌથી લાંબું સૂર્યગ્રહણ હશે.
નાસા અને આંતરરાષ્ટ્રીય ખગોળવિજ્ઞાનીઓ તેને ‘સદીનું સૂર્યગ્રહણ’ કહી રહ્યા છે. આ ઘટના 1991 પછીનું સૌથી લાંબું સૂર્યગ્રહણ હશે અને આવું લાંબું સૂર્યગ્રહણ ફરીથી 2114માં જોવા મળશે. ટોટલ સોલર એક્લિપ્સ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને સૂર્યનો પ્રકાશ સંપૂર્ણ રીતે ઢાંકી દે છે. પરિણામે દિવસ દરમિયાન અંધકાર છવાઈ જાય છે.
સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યની આસપાસ કોરોના (બાહ્ય વાયુમંડળ)નું તેજસ્વી વલય જોવા મળે છે, જે સામાન્ય દિવસોમાં દેખાતું નથી. આ સૂર્યગ્રહણ સ્પેનના દક્ષિણ ભાગથી શરૂ થઈને જિબ્રાલ્ટર, મોરોક્કો, અલ્જીરિયા, ટ્યુનિશિયા, લિબિયા, ઈજિપ્ત, સાઉદી અરેબિયા, યમન અને સોમાલિયા સુધી જોવા મળશે. એટલાન્ટિક અને હિંદ મહાસાગરના કેટલાક ભાગોમાં પણ આ દૃશ્ય દેખાશે.
મહત્તમ ટોટાલિટી ઈજિપ્તના લક્સર નજીક જોવા મળશે, જ્યાં 6 મિનિટ 23 સેકન્ડ સુધી સંપૂર્ણ અંધકાર રહેશે. લક્સર અને આસવાન જેવા ઐતિહાસિક સ્થળો, જ્યાં ફેરાઓના સમાધિઓ અને મંદિરો છે, ત્યાં આ દૃશ્ય વધુ રોમાંચક બનશે. સ્પેનમાં 4 મિનિટથી વધુ ટોટાલિટી મળશે, જ્યારે ઉત્તર આફ્રિકામાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા 80%થી વધુ છે.
કરોડો લોકો જોઈ શકશે આ દૃશ્ય
આ અનોખું દૃશ્ય 20 કરોડથી વધુ લોકો જોઈ શકશે. આ સૂર્યગ્રહણ 2024ના અમેરિકન સૂર્યગ્રહણ (4 મિનિટ 28 સેકન્ડ) કરતાં લગભગ બમણું પ્રભાવશાળી રહેશે. મીડિયા તેને ‘સદીનું સૌથી વધુ ફોટોગ્રાફ થતું ઇવેન્ટ’ કહી રહ્યું છે. પ્રવાસીઓએ પહેલેથી જ હોટલો બુક કરાવવાનું શરૂ કરી દીધું છે, ખાસ કરીને ઈજિપ્તના લક્સરમાં, જ્યાં નાઇલ નદીના કિનારે ખાસ વ્યૂઇંગ સ્પોટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ભારતમાં આ ટોટલ સૂર્યગ્રહણ નહીં દેખાય, પરંતુ આંશિક સૂર્યગ્રહણ બપોરે 3:34 વાગ્યાથી સાંજે 5:53 વાગ્યા સુધી દેખાઈ શકે છે. સૂર્યનો થોડો ભાગ ઢંકાશે, પરંતુ સંપૂર્ણ અંધકાર નહીં આવે. જો તમે ટોટલ સૂર્યગ્રહણ જોવા માંગતા હો, તો ઈજિપ્ત, મોરોક્કો અથવા સ્પેન જવું પડશે.
