રિટેલ માર્કેટમાં વધતી જતી મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. શનિવારે ડુંગળી પર ૪૦ ટકા નિકાસ ડ્યુટી લાદવાની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે આ માટે સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ડુંગળી પર ૪૦ ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી છે, જે ૩૧ ડિસેમ્બર સુધી લાગુ રહેશે. ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરથી દેશમાં ડુંગળી મોંઘી થશે. ૨૫થી ૩૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ડુંગળી આવતા મહિનાથી ૬૦થી ૭૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાવા લાગશે. આ સાથે મોંઘવારી ફરી એકવાર સાતમા આસમાને પહોંચશે.
આવી સ્થિતિમાં નિષ્ણાતોનું કહેવું છે કે સંભવિત મોંઘવારીનો અહેસાસ થતાં સરકાર પહેલેથી જ સતર્ક થઈ ગઈ છે. આ જ કારણ છે કે ૩૧ ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર ૪૦ ટકા ડ્યૂટી લગાવી છે. તે જ સમયે, ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે તે ખુલ્લા બજારમાં બફર સ્ટોકમાંથી ૩ લાખ ટન ડુંગળી મુકશે. સરકારને લાગે છે કે એક સાથે ૩ લાખ ટન ડુંગળી બજારમાં આવવાથી તેની અછત દૂર થઈ જશે. આવી સ્થિતિમાં તેની વધતી કિંમતો પર બ્રેક લાગશે. જો કે સરકારના આ ર્નિણયથી ખેડૂતો રોષે ભરાયા છે.
મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ આંદોલનની ચેતવણી આપી છે. ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર પોતાનો ર્નિણય પાછો નહીં ખેંચે તો તેઓ રસ્તા પર ઉતરી આંદોલન કરશે. સરકારી આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનાથી જ ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. ૧૦ ઓગસ્ટના રોજ દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત ૨૭.૯૦ રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૨ રૂપિયા વધુ છે. તમને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત સાથે જ દેશમાં મોંઘવારી વધી ગઈ છે. અત્યારે પણ દેશમાં ટામેટાની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. આ સાથે તમામ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઉંચા છે. તેનાથી દેશમાં છૂટક મોંઘવારી દરમાં વધારો થયો છે. જુલાઈમાં છૂટક ફુગાવાનો દર ૭.૪૪ ટકા નોંધાયો હતો, જે ૧૫ મહિનામાં સૌથી વધુ છે.