અમદાવાદ : મધર્સ ડે (રવિવાર, ૧૨મી મેના રોજ ઊજવણી થાય છે)ના પ્રસંગે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસડીસી)એ શ્રી મહિલા સેવા સહકારી બેન્ક લિ. (સેવા)ના સહયોગમાં મહિલાઓ ખાસ કરીને માતાઓ માટે એક વિશેષ શિબિરનું આયોજન કર્યું હતું. સ્ત્રીત્વની ઊજવણી અને માતાઓ દ્વારા ભજવાતી અનેક પ્રકારની ભૂમિકાઓને સ્વીકારતાં આ કાર્યશિબિરમાં કાર્યકારી તાલિમ, સોફ્ટ કુશળતા, વ્યાવસાયિક કાઉન્સેલિંગ સાથે નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ, લઘુ ધિરાણ અને આર્થિક રીતે તમને સ્વ-નિર્ભર બનાવવા સક્ષમ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ કાર્યશિબિર વિવિધ વ્યાવસાયિક કાર્યક્રમો અને કુશળતા પહેલો અંગે મહિલાઓમાં જાગૃતિ લાવી હતી, જે મહિલાઓને સ્વતંત્ર અને સ્વ-નિર્ભર બનાવી શકશે.
અમદાવાદમાં મહિલા સેવા સહકારી બેન્કના મુખ્યાલયમાંથી જનરલ મેનેજર સુશ્રી વંદના શાહ અને ફાઈનાન્સના ડીજીએમ સુશ્રી સ્મૃતિ શાહના અધ્યક્ષપદે આ કાર્યશિબિરનું આયોજન થયું હતું. આ કાર્યશિબિરમાં સેવા બેન્કની મહિલા સભ્યોએ હાજરી આપી હતી. સેવા મહિલા બેન્ક વિવિધ કેન્દ્રોમાં નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ ચલાવે છે.
કાર્યશિબિર અંગે વાત કરતાં સુશ્રી વંદના શાહે જણાવ્યું હતું કે,‘આ મધર્સ ડે પર અમે મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવા અને કામકાજના સ્થળે મહિલાઓની ભાગીદારી વધારવા માગતા હતા. અમારા નાણાકીય સાક્ષરતા, વ્યાવસાયિક કાઉન્સેલિંગ અને લઘુધિરાણ મોડેલ મારફત અમે મહિલાઓના જીવનમાં નાણાકીય શિસ્તને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે. આ નાણાકીય શિસ્ત ભવિષ્યમાં કોઈપણ મુશ્કેલીમાં તેમની કાળજી રાખી શકશે અને તેમનામાં આર્થિક સ્વતંત્રતાની ભાવના પેદા કરી શકશે.’
એક નિવેદનમાં સીએસઆર અને ઈન્ડસ્ટ્રી પાર્ટનરશિપ્સ, કોમ્યુનિકેશન અને એડવોકસીના સિનિયર હેડ શ્રી ગૌરવ કપૂરે જણાવ્યું હતું કે, ‘મહિલા સશક્તિકરણ તરફ કેન્દ્રીત અભિગમ સાથે એનએસડીસીએ તેના તાલિમ ભાગીદારો સાથે એવા કાર્યક્રમો અમલમાં મૂકી રહ્યું છે, જે મહિલાઓને તેમનો વ્યવસાય સ્થાપવાની અને ટકાઉ આજીવિકા પૂરી પાડવાની સુવિધા આપે તેવી કાર્યકારી, ડિજિટલ, એકાઉન્ટિંગ અને ઉદ્યોગસાહસિક કુશળતાઓ લાવે છે.’
વધુમાં, કાર્યશાળા દરમિયાન સુશ્રી સ્મૃતિ શાહ (ડીજીએમ, ફાઈનાન્સ) અને સુશ્રી પૂર્વી ભાવસાર (પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર)એ જણાવ્યું હતું કે, ‘તેમની મોટાભાગની મહિલા સભ્યો નિરક્ષર છે, છતાં તે સ્વ-નિર્ભર છે. તેમના માટે કોઈ ઔપચારિક તાલિમ કાર્યક્રમો ઉપલબ્ધ નથી, પરંતુ એનએસડીસીના સહયોગથી સેવાના તાલિમ કમ લોન મોડેલ મહિલાઓ માટે કુશળતાની તાલિમ મારફત તેમની આજીવિકા વધારવાની સુવિધા પૂરી પાડી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સેવા બેન્કે એનએસડીસીના આ કાર્યક્રમ હેઠળ ૬૦,૦૦૦થી વધુ મહિલાઓ ટ્રેઈનીને તાલિમ આપી છે.’
ગરીબી નાબૂદીના આશય સાથે સેવા બેન્ક મહિલાઓને તેમનો પોતાનો કારોબાર, મૂડી, અસ્કયામતો અને તેમની આજીવિકાની પરિસ્થિતિઓણાં સુધારો લાવવામાં મદદ કરે છે. વધુમાં સ્કિલ ઈન્ડિયા મિશન હેઠળ સેવા મહિલાઓને નાણાકીય સાક્ષરતાથી સજ્જ કરવા કાઉન્સેલિંગ સત્રોનું આયોજન કરે છે, જે તેમને પોતાના દ્વારા ચાલતા કારોબારમાં કુશળતાપૂર્વક અને કાર્યક્ષમ નિર્ણયો લેવામાં મદદરૂપ કરે છે.
મહિલાઓને તેમની સંભાવનાઓ સમજાવવાના પ્રયાસના ભાગરૂપે એનએસડીસી તેના તાલિમ ભાગીદારો અને ઔદ્યોગિક જોડાણો મારફત સમગ્ર દેશમાં મહિલાઓને કુશળ તાલિમ પૂરી પાડે છે. એનએસડીસીએ કુશળતા વિકસાવવાની સાથે પાયાના સ્તરે જરૂરી કેટલાક મૂળભૂત પરિવરત્નો ઓળખી કાઢ્યા છે. એનએસડીસી મહિલાઓમાં કમ્યુનિકેશન સ્કિલ્સથી લઈને નેતૃત્વ અને વિશ્લેષણ કુશળતા સુધીની સોફ્ટ કુશળતાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે મહિલાઓમાં ઉદ્યોગ સાહસિક્તા, ડિજિટલ અને નાણાકીય સાક્ષરતાને પણ અગ્રતા આપે છે. મહિલાઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ રહેતાં તાલિમ પ્રદાતાઓ બાળ સંભાળ સહાય, મોબાઈલ તાલિમ કેન્દ્રો, પરિવહન સુવિધા, તાલિમના સુવિધાપૂર્ણ ક્લાકો, રહેણાંક સુવિધા વગેરે સુવિધાઓ પૂરી પાડે છે.
મહિલાઓ વસ્ત્રો, સૌંદર્ય પ્રસાધનો અને સુખાકારી તથા આરોગ્યસેવા જેવા ક્ષેત્રોમાં પ્રભુત્વ ધરાવે છે ત્યારે ઈલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, કમ્પ્યુટિંગ, બિઝનેસ પ્રોસેસિંગ જેવા બીન પરંપરાગત ક્ષેત્રોમાં પણ તેમની હાજરી નોંધપાત્ર પ્રમાણમાં ઊભરી રહી છે.