ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આઇસીસી વુમેન્સ વર્લ્ડ ટ્વેન્ટી૨૦ ૨૦૧૮ના સ્થળની જાહેરાત કરવામાં આવી છે. ૯ થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનાર આઇસીસી વુમેન્સ વર્લ્ડ ટ્વેન્ટી૨૦ ૨૦૧૮ વેસ્ટઇન્ડિઝના ત્રણ સ્થળ એન્ટિગુઆ એન્ડ બર્મુડા, ગુયાના અને સેન્ટ લુસિયા ખાતે યોજાશે.
૨૦૧૬માં કોલકતામાં ઓસ્ટ્રેલિયા સામે ૮ વિકેટે જીત મેળવનાર યજમાન વિન્ડિઝ ટાઇટલ જાળવી રાખવા માટે મેદાનમાં ઉતરશે.
ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝ દ્વારા બિડિંગની પ્રકિયા દ્વારા ત્રણ સ્થળની પસંદગી કરવામાં આવી હતી અને આઇસીસી દ્વારા તેની માન્યતા આપવામાં આવી છે. પ્રિલિમનરી રાઉન્ડની તમામ મેચ ગુયાના નેશનલ સ્ટેડિયમ અને સેન્ટ લુસિયામાં ડેરેન સેમી સ્ટેડિયમ ખાતે યોજાશે, જ્યારે બે સેમી ફાઇનલ્સ અને ફાઇનલ એન્ટિગુઆ એન્ડ બર્મુડામાં સર વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે યોજાશે.
આઇસીસી વુમેન્સ વર્લ્ડ ટ્વેન્ટી૨૦ ૨૦૧૮માં યજમાનની સાથે ન્યુઝીલેન્ડ, ભારત, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેડ જોડાશે. બાકી રહેલા બે સ્થાન માટે બાંગ્લાદેશ, હોલેન્ડ, આયરલેન્ડ, પપુઆ ન્યુ ગુઆના, સ્કોટલેન્ડ, થાઇલેન્ડ, યુગાન્ડા અને યુ.એ.ઇ. વચ્ચે ૩ થી ૧૪ જુલાઇ દરમિયાન આઇસીસી વુમેન્સ વર્લ્ડ ટ્વેન્ટી૨૦ ૨૦૧૮ના ક્વાલિફાયર જંગ ખેલાશે.
આ પહેલા પણ કેરેબિયન આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૦૭ અને ત્યારબાદ ૨૦૧૦માં આઇસીસી વર્લ્ડ ટ્વેન્ટી૨૦ની યજમાની કરી ચૂક્યાં છે.
ટૂર્નામેન્ટ સંબંધિત ગ્રુપ્સ તથા અન્ય માહિતી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.