અમદાવાદ: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ) દ્વારા આજે ધોરણ-૧૨નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ સીબીએસઈની ઓફિશિયલ વેબસાઈટ સીબીએસઇ.એનઆઇસી.ઇન પર જોઈ શકે છે. આ વર્ષે ૧૨માંની પરીક્ષામાં કુલ ૧૨.૮૭ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ ૮૩.૪ ટકા બાળકોએ ૧૨માંની બોર્ડની પરીક્ષા પાસ કરી છે. સૌથી વધુ ત્રિવેન્દ્રમ રીઝનમાં ૯૮.૨ ટકા બાળકો પાસ થયા છે. ચેન્નાઈ રિઝનનું પરિણામ ૯૨.૯૩ ટકા અને દિલ્હી રિઝનનું પરિણામ ૯૧.૮૭ ટકા રહ્યું છે. આવી જ રીતે ઇન્ટરનેશનલ સ્કુલોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ૯૫.૯૩ ટકા રહી છે. પરીક્ષામાં ટોપ ઉપર બે વિદ્યાર્થીની રહી છે.
સીબીએસઈ દ્વારા જણાવાયું હતું કે, અત્યારસુધીના ઇતિહાસમાં પહેલી વખત પરીક્ષા પૂર્ણ થયાને ૨૮ દિવસમાં જ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૧૨માં ધોરણના પરિણામમાં સતત ૫મી વખત વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. બોર્ડની પરીક્ષામાં ૨૦૧૪માં છેલ્લી વખત સાર્થક અગ્રવાલ ૯૯.૬ ટકાની સાથે ટોપર બન્યો હતો. જે બાદથી સતત ૫ વર્ષથી યુવતીઓ ટોપર બને છે. આ વર્ષે વિદ્યાર્થીઓથી ૯ ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે, આ વખતે ૪,૬૨૭ પરીક્ષા કેન્દ્ર, ૧૨.૮૭ લાખ વિદ્યાર્થીઓ હતા. જેમાંથી ૯૪,૨૯૯ છાત્ર-છાત્રાઓએ ૯૦ ટકા માર્ક મેળવ્યાં છે. દેશભરમાં ૮૩.૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. ગત વખતની તુલનામાં ૦.૪ ટકા રિઝલ્ટ સુધર્યું છે. વિદેશ સ્થિત સ્કૂલોના પરિણામોમાં પણ સુધારો થયો. આ વખતે ૯૫.૪૩ ટકા, રિઝલ્ટ રહ્યું, ગત વખતે ૯૪.૯૪ ટકા હતું. સ્પેશિયલ કેટેગરીમાં હેરિટેજ સ્કૂલ, ગુડગાંવની લાવણ્યા બાલકૃષ્ણને ૪૮૯ પોઈન્ટની સાથે પહેલું સ્થાન મેળવ્યું હતું. દરમ્યાન સીબીએસઈના ચેરમેન અનિતા કરવાલે જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના કર્મચારીઓ છેલ્લાં ૧૫ દિવસથી રિઝલ્ટ તૈયાર કરવાના કાર્યોમાં જ જોતરાયેલાં હતા. આ વખતે રેકોર્ડ ૨૮ દિવસમાં રિઝલ્ટ જાહેર કરવા માટે કર્મચારીઓ ઘરે પણ ગયા ન હતા. બોર્ડની પરીક્ષાઓ તા.૪ એપ્રિલે પૂર્ણ થઈ ગઈ હતી અને તા. ૨ મેનાં રોજ રિઝલ્ટ જાહેર કરી દેવાયું છે. બોર્ડના જણાવ્યા મુજબ આગામી વર્ષથી પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે.
રિઝલ્ટ આ રીતે જ મેના પહેલાં સપ્તાહમાં આવી જશે, કે જેથી છાત્રોને યુનિવર્સિટીઝમાં પ્રવેશ માટે પર્યાપ્ત સમય મળી શકે. અત્યાર સુધી ૧૦ રીઝનમાં પરીક્ષા થતી હતી પરંતુ આગામી વખતથી કુલ ૧૬ રીઝનમાં પરીક્ષાઓ થશે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે પણ પરીક્ષામાં પહેલું સ્થાન મેળવનાર હંસિકાને અભિનંદન પાઠવ્યા હતા.