નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈના ટોપ અધિકારીઓને રજા ઉપર મોકલી દેવામાં આવ્યા બાદ એક પછી એક ઘટનાક્રમનો દોર શરૂ થયો હતો. નાગેશ્વર રાવે જવાબદારી સંભાળી લીધા બાદ સીબીઆઇના અધિકારીઓની મોટા પાયે બદલીનો દોર શરૂ થયો છે. તરત જ અનેક અધિકારઓની બદલી કરવામાં આવી છે. ડીએસપી સીબીઆઇ એકે બસ્સીને પોર્ટ બ્લેયર મોકલી દેવામાં આવ્યા છે. એડિશનલ એસપી સીબીઆઇ એસએસ ગુમની બદલી જબલપુરમાં કરવામાં આવી છે.
સીબીઆઇના ડીઆઇજી મનીષ કુમાર, ડીઆઇજી તરૂણ ગૌબા અને અન્યોમની પણ બદલી કરવામા ંઆવી હતી. એચઓબી રામગોપાલ, એસબી સતિષ ડાગરની પણ બદલી કરવામાં આવી હતી. કેટલાક અધિકારી સીબીઆઈના રાકેશ અસ્થાનાની સામે તપાસ કરી રહ્યા હતા. સીબીઆઈના જેડી(પી) અરુણ કુમાર શર્મા, એ સાઈ મનોહર, એચઓઝેડ વી મુરુગુશન, ડીઆઈજી અમિત કુમારને તાત્કાલિક અસર સાથે બદલી કરી દેવામાં આવી છે. બીજી બાજુ અધિકારોની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સીબીઆઇના પ્રવક્તાએ સાફ શબ્દોમાં કહ્યું છે કે, સીબીઆઈ હેડક્વાર્ટરમાં કોઇને પણ પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં. સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના મામલાની તપાસ સીબીઆઈ ડીઆઈજી તરુણ ગોબા, એસપી સતિષ ડાગર અને જાઇન્ટ ડિરેક્ટર મુરુગુશન કરશે. હેડક્વાર્ટરમાં એમ નાગેશ્વર રાવે મોડેથી બેઠકોનો દોર શરૂ કર્યો હતો. સીબીઆઈમાં ઝડપથી બદલાયેલા ઘટનાક્રમ વચ્ચે ટોપ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. સીબીઆઈમાં આને લઇને ખળભળાટ મચી ગયો છે. અસ્થાના સામે તપાસ કરતા અધિકારીઓ પણ બદલાઈ ગયા છે.