રેલવે ભરતી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવના ૧૭ ઠેકાણે સીબીઆઈના દરોડા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ પટણામાં રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમની પત્ની રાબડી દેવીના ઠેકાણાઓ પર સવાર સવારમાં અલગ અલગ ટીમો બનાવીને દરોડા પાડ્યા. આ દરમિયાન એક ટીમ રાબડી દેવીના સરકારી આવાસ ૧૦ સર્ક્‌યુલર રોડ ઉપર પણ પહોંચી. રાબડી દેવીના ઘરે પહોંચેલી સીબીઆઈની ટીમમાં મહિલા અને પુરુષ અધિકારીઓ સામેલ છે.

સીબીઆઈની આ ટીમમાં કુલ ૧૦ લોકો છે જે તપાસ કરી રહ્યા છે. ઘરમાં અવરજવર પર રોક લગાવવામાં આવી છે. સીબીઆઈએ પટણામાં ૧૭ જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. એવો આરોપ લાગ્યો છે કે લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે દરોડાની કાર્યવાહી થઈ રહી છે. સીબીઆઈએ ૧૭ ઠેકાણે દરોડા પાડ્યા છે.

આ મામલે અધિકારીએ જણાવ્યું કે સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ નવો કેસ દાખલ કર્યો છે. અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીના જણાવ્યાં મુજબ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ વિરુદ્ધ રેલવેમાં નોકરીના બદલે ઉમેદવારો પાસેથી જમીન લેવાના આરોપસર કેસ દાખલ થયો છે. તેમણે કહ્યું કે કથિત જમીનના બદલે નોકરી કૌભાંડ જ્યારે લાલુ યાદવ યુપીએ સરકારમાં કેન્દ્રીય રેલવે મંત્રી હતા ત્યારે થયું હતું.

Share This Article