નવી દિલ્હી: સીબીઆઇના મામલાના લીધે સરકારની મુશ્કેલી પણ હવે વધી રહી છે. સીબીઆઇમાં ટોપ અધિકારીઓ વચ્ચે ખેંચતાણના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. તપાસ સંસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો થઇ રહ્યા છે. સાથે સાથે સરકાર માટે પણ સ્થિતિ કાબુમાં લેવાની બાબત મુશ્કેલરૂપ બનેલી છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સાથે જાડાયેલા ટોપ અધિકારીઓ સમગ્ર દિવસ દરમિયાન આ વિવાદને ઉકેલવાના પ્રયાસમાં લાગેલા રહ્યા હતા. ડિરેક્ટર આલોક વર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ આ કેસ સાથે જાડાયેલા ડીએસપી રેંકના અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ અધિકારીઓના આવાસ પર દરોડા પણ પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અનેક દસ્તાવેજા અને ડાયરી જપ્ત કરવામાં આવી છે. જો કે સીબીઆઇ હાલમાં મૌન છે. મિડિયા સાથે કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી.
સીબીઆઈમાં ઘમસાણના પરિણામ સ્વરૂપે પીએમઓ દ્વારા હવે ચાંપતી નજર કેન્દ્રિત કરાઈ છે. સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના પર એફઆઈઆર અને સામ સામે આક્ષેપોના લીધે ખળભળાટ મચી ગયો છે. સરકારનું માનવું છે કે જે રીતે ટોપ અધિકારી એકબીજાની સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા બાદ કાર્યવાહી કરવા લાગ્યા છે તેનાથી ખોટા સંદેશા જઈ રહ્યા છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાની સામે જે રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેનાથી સરકાર પર ચોંકી ઉઠી છે. નવા કાયદા બાદ અધિકારીઓની સામે કેસ કરતા પહેલા મંજુરી લેવાની બાબત જરૂરી બની ગઈ છે.
સીબીઆઈ હાલના સમયે સંકટમાંથી પસાર થઈ રહી છે. સીબીઆઈએ હાલમાં પોતાના જ સ્પેશિયલ ડિરેકટર અને તપાસ સંસ્થામાં નંબર-૨ની સ્થિતિ ધરાવતા રાકેશ અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયાની લાંચ લેવાનો કેસ કરી દીધો છે પરંતુ આ મામલો એકલો નથી. આ કેસથી અલગ આમાં સીબીઆઈના વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે આંતરિક ખેંચતાણની લડાઈનો પણ એન્ગલ છે. સીબીઆઈએ અસ્થાના પર દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં માંસ કારોબારી મોઈન કુરેશી પાસેથી ત્રણ કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો છે. અસ્થાનાએ જ કુરેશીની સામે તપાસની જવાબદારી સંભાળી હતી. જ્યારે અસ્થાનાએ તેમના પર મુકવામાં આવેલા આક્ષેપોને ફગાવતા સીધી રીતે સીબીઆઈ વડા ઉપર ફસાવવાના આક્ષેપ કર્યા છે. એમ માનવામાં આવે છે કે બે અધિકારીઓની વચ્ચે પાવર માટે ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે.