ભોપાલ : પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ સરકારે પોતાના રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દીધા બાદ આને લઈને જારદાર હોબાળાની શરૂઆત થઈ ગઈ છે. આજે આ બે રાજ્યોના નિર્ણય બાદ આ અંગે પ્રતિક્રિયા કરતા કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે સીબીઆઈને તપાસ કરવાથી રોકવાના પ્રયાસ આ રાજ્યો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેટલીએ કહ્યું હતું કે પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેના પ્રયાસો આ બંને રાજ્યોની સરકાર કરી રહી છે. જેટલીએ નોટબંધીને પણ દેશના હિતમાં લેવામાં આવેલા એક નૈતિક પગલા તરીકે ગણાવીને તેની પ્રસંશા કરી હતી. જેટલીએ દાવો કર્યો હતો કે પાંચ રાજ્યોના વિધાનસભા ચુંટણીના પરિણામ પર નોટબંધીની કોઈપણ વિપરીત અસર દેખાશે નહીં.
અરૂણ જેટલીએ આજે ભોપાલ પહોંચ્યા હતા. ભાજપના ચુંટણી ઢંઢેરાને જારી કરવા માટે પહોંચેલા જેટલીએ કહ્યું હતું કે જે રાજ્યોએ સીબીઆઈને પોતાના રાજ્યમાં ન પ્રવેશ કરવાની સૂચના આપી છે તે સરકારે પોતાના લોકોને બચાવવાના પ્રયાસ કરી રહી છે. ભ્રષ્ટાચારને છુપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આનાથી કોઈ પરિણામ મળશે નહીં કારણ કે આનાથી કૌભાંડો ખતમ થઈ જશે નહીં. જેટલીએ કહ્યું હતું કે અમારા દેશમાં વહીવટી વ્યવસ્થા છે. બંધારણીય વ્યવસ્થા રહેલી છે. સીબીઆઈની રચના જ ગંભીર મામલામાં તપાસ કરવા માટે થઈ છે. સીબીઆઈ પોતે કોઈપણ રાજ્યના મામલામાં તપાસ કરતી નથી. જ્યારે રાજ્ય તેને અનુરોધ કરે છે ત્યારે તે મામલામાં તપાસ પોતાના હાથમાં લે છે. આને રોકવાના પગલાં જે લોકો ઉઠાવી રહ્યા છે તેમને ભય સતાવી રહ્યો છે. આ રાજ્યો કેટલીક બાબતો છુપાવવા માંગે છે. જેટલીએ પ્રશ્ન કર્યો હતો કે સીબીઆઈને રોકવાથી બંગાળના શારદા કૌભાંડને ખતમ કરી શકાશે. જ્યાં સુધી આંધ્રપ્રદેશની સરકારનો પ્રશ્ન છે તો કોઈને બચાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે ભ્રષ્ટાચારને છુપાવવા માટે સીબીઆઈને રોકવામાં આવે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગઈકાલે જ કહ્યું હતું કે સીબીઆઈ હવે ભરોસો કરવા લાયક નથી. ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર સીબીઆઈ અને આવકવેરા વિભાગના ઈશારે તેની સરકારને ગબડાવી દેવા માટે ઉત્સુક છે. જેથી પોતાના રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આનું સમર્થન કર્યું છે. જેટલીએ નોટબંધીને લઈને જારદાર બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે મોદીએ સત્તા સંભાળી હતી ત્યારે દેશમાં માત્ર ત્રણ કરોડ ૮૦ લાખ લોકો ટેક્સ ભરતા હતા. આજે આ સંખ્યા વધીને છ કરોડ ૮૬ લાખ સુધી પહોંચી ગઈ છે. જેટલીએ દાવો કર્યો હતો કે નોટબંધી દેશહિતમાં ઉઠાવવામાં આવેલા નૈતિક પગલા પૈકીના એક તરીકે હતી. નોટબંધી અને જીએસટી અમલી બની ગયા બાદ દેશ ઝડપથી વિકાસના માર્ગ ઉપર આગળ વધશે.