સીબીઆઇ વિવાદ : જવાબ આપવા વર્માને તકો અપાઇ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી:  સેન્ટ્રલ વિજિલન્સ કમીશન (સીવીસી)ના રિપોર્ટના આધાર પર સુપ્રીમ કોર્ટે આજે હાલમાં સીબીઆઇમાં વિવાદ બાદ રજા પર મોકલી દેવામાં આવેલા ડિરેક્ટર આલોક વર્મા પાસેથી જ જવાબની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે વર્માને એક તક આપી છે. સુપ્રીમ કોર્ટે સીવીસીના રિપોર્ટ પર સુનાવણી કરતી વેળા કહ્યુ હતુ કે કેટલાક પ્રશ્નોમાં તપાસ જરૂરી બની છે. આ મામલામાં હવે મંગળવારના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્માને લઇને સીવીસીના રિપોર્ટના આધાર પર જવાબની માંગ કરવામાં આવી છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતોની ગંભીર નોંધ લીધી હતી. આલોક વર્મા પાસેથી જવાબની માંગ કરવામાં આવી છે. સીબીઆઈની અંદર ચાલી રહેલી આંતરિક લડાઈને લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. અત્રે નોંધનીય છે કે ૧૨મી નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડિરેક્ટર આલોકકુમાર વર્મા સામે સુનાવણી શુક્રવાર સુધી મોકૂફ કરી દીધી હતી. ત્યારબાદ આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા ૧૨મી નવેમ્બરના દિવસે સીલ કવરમાં સુપ્રીમ કોર્ટમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. સીબીઆઈએ કાર્યકારી સીબીઆઈ ડિરેક્ટર નાગેશ્વર રાવ દ્વારા લેવામાં આવેલા તમામ મોટા નિર્ણય અંગેની માહિતી સીલ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી હતી. કોર્ટને ૨૩મી ઓક્ટોબર બાદથી અધિકારીઓની બદલી અંગેની માહિતી પણ સોંપવામાં આવી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે વર્મા સામે તેની પ્રાથમિક તપાસ બે સપ્તાહની અંદર પરિપૂર્ણ કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને આદેશ કર્ય હતો. વર્મા અને સીબીઆઈના અન્ય અધિકારી રાકેશ અસ્થાના વચ્ચે ખેંચતાણનો મામલો વધુ તીવ્ર બન્યા બાદ અને બંને દ્વારા એકબીજા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી કેન્દ્ર સરકારે
લાલઆંખ કરીને આ બંને અધિકારીઓને રજા ઉપર મોકલી દીધા હતા અને કાર્યકારી સીબીઆઈ ડિરેક્ટર તરીકે નાગેશ્વર રાવને જવાબદારી સોંપી હતી.

વર્મા ખાસ સીબીઆઈ ડિરેક્ટર રાકેશ અસ્થાના સાથે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણમાં હતા. ત્રણ સભ્યોની સીવીસી સમક્ષ રજૂઆતો થઇ હતી. કેવી ચૌધરીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સીવીસી સમક્ષ તર્કદાર દલીલો થઇ હતી. કેન્દ્ર અને સીવીસીને નોટિસ જારી કરવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટરની સામે પ્રાથમિક તપાસ પૂર્ણ કરવા સીવીસીને બે સપ્તાહની મહેતલ આપી હતી. કોર્ટે વર્મા સામે સીવીસીની ચાલી રહેલી તપાસ ઉપર નજર રાખવા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકની નિમણૂંક કરી હતી.સાથે સાથે આઈપીએસ અધિકારી નાગેશ્વર રાવને કોઇ મોટા નિર્ણયો ન કરવા સૂચના આપવામાં આવી હતી. સીબીઆઇમાં અધિકારીઓ વચ્ચે જારદાર ખેંચતાણ છે.

 

Share This Article