નવી દિલ્હી : સીબીઆઈમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે હવે કોંગ્રેસ પાર્ટી પણ વિવાદમાં ઉતરી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસ પાર્ટીએ હવે સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરી દીધી છે. સીબીઆઈની અંદર ચાલી રહેલી ખેંચતાણના મામલામાં હવે કોંગ્રેસ પણ આવી ગઈ છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના સીબીઆઈના નિર્દેશક આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાના નિર્ણયની સામે પડકાર ફેંકીને સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરી દીધી છે. સુપ્રિમ કોર્ટમાં રજુઆત કરીને ખડગેએ કહ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ગેરકાયદે હતો. તેઓએ સીબીઆઈ એક્ટમાં ખુલ્લા ભંગ તરીકે આને ગણાવીને આજે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે સીબીઆઈ એક્ટ મુજબ સીબીઆઈના નિર્દેશકની નિમણૂંક અથવા તો તેમને દુર કરવાના સંદર્ભમાં વિરોધ પક્ષના નેતા, વડાપ્રધાન અને મુખ્ય ન્યાયાધિશની ત્રણ સભ્યોની સમિતિ નિર્ણય લઈ શકે છે. આ સંદર્ભમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સીબીઆઈ ઓફિસની બહાર દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી ચુકી છે. સીબીઆઈના ટોપ બે ઓફિસરોની વચ્ચે લડાઈ મીડિયામાં આવ્યા બાદ સરકાર ઉપર વિપક્ષી દળો આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર ચાલી રહેલી ખેંચતાણનો મામલો જાહેરમાં આવી જતા તેની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. ડેમેજ કંટ્રોલના ભાગરૂપે મોદી સરકારે રાતોરાત સીબીઆઈના ડિરેકટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાને રજા ઉપર મોકલી દીધા હતા. કોંગ્રેસ નેતાએ પણ કહ્યું છે કે સીવીસીની પાસે સીબીઆઈના નિર્દેશકની સામે કાર્યવાહીના કોઈ અધિકાર રહ્યા નથી. ખડગેએ આ સંબંધમાં સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવી નથી. સીબીઆઈના નિર્દેશક આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાની કાર્યવાહી બિલકુલ ગેરકાયદે છે અને આ કાર્યવાહી સીબીઆઈ એક્ટની જાગવાઈના ખુલ્લા ભંગ સમાન છે.
પાર્ટી સૂત્રોએ કહ્યું છે કે કોંગ્રેસે ખડગેને કહ્યું હતું કે તેઓ આ સંબંધમાં અરજી દાખલ કરે. ખડગે દ્વારા સીબીઆઈ નિર્દેશકની નિમણૂંક કરવાવાળી સમિતિમાં સામેલ હોવાની વાત પણ કરી છે. સીબીઆઈમાં ચાલી રહેલી ખેંચતાણ પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જારદાર પ્રહારો કર્યા છે. રાકેશ અસ્થાનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પસંદગીના અધિકારી તરીકે ગણાવીને અગાઉ ટીકા કરવામાં આવી ચુકી છે. હવે સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસ તરફથી રજુઆત કરવામાં આવ્યા બાદ આ મામલો વધુ ગંભીર બની શકે છે. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે સર્વોપરિતા માટેની લડાઈ સપાટી પર આવ્યા બાદ આક્ષેપબાજીનો દોર શરૂ થયો હતો. લાંચ રૂશ્વતના આક્ષેપો રાકેશ અસ્થાના ઉપર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. સવીસી તરફથી રજુઆત કરવામાં આવ્યા બાદ મોદી સરકારે રાતો રાત આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા ઉપર મોકલી દીધા હતા અને
આલોક વર્માની જગ્યાએ નાગેશ્વર રાવની વચગાળાના વડા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદથી આ મામલે કોંગ્રેસ પાર્ટી પણ લડાયક મૂડમાં દેખાઈ રહી છે. દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં જ સીબીઆઈ હેડક્વાર્ટર ઉપર તીવ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ધરપકડ વહોરી હતી. કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર રાફેલ મામલામાં ઘણી બાબતોને છુપાવવા આલોક વર્માને રજા ઉપર ઉતારી દીધા છે. બીજી બાજુ ભાજપના કેટલાક નેતાઓએ પણ મોદી સરકારની આ હિલચાલ સામે વાંધો ઉઠાવ્યો હતો. સરકારે આ વલણને યોગ્ય ગણાવીને કહ્યું હતું કે પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર બે ટોપ અધિકારી વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. આવી Âસ્થતિમાં તેની પ્રતિષ્ઠા ભાંગી પડી હતી. જેથી બંને અધિકારીઓને રજા ઉપર ઉતારી દેવાની બાબત યોગ્ય દેખાઈ રહી હતી. બીજી બાજુ કોંગ્રેસ નેતાઓનું એમ પણ કહેવું છે કે સીબીઆઈના ડિરેકટર સામે કાર્યવાહી કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન પાસે કોઈપણ પ્રકારના અધિકાર નથી. નરેન્દ્ર મોદીએ ગેરકાયદે રીતે આલોક વર્માને રજા ઉપર ઉતારી દીધા છે. કોંગ્રેસ પાર્ટીના આક્ષેપની સાથે સુપ્રિમ કોર્ટમાં રજુઆત બાદ હવે આના ઉપર પણ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. જેના ઉપર તમામની નજર રહેશે.