નવી દિલ્હી : સીબીઆઈની અંદર ચાલી રહેલી આંતરિક લડાઈને લઇને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવી રહી છે. આજે સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડિરેક્ટર આલોકકુમાર વર્મા સામે સુનાવણી શુક્રવાર સુધી મોકૂફ કરી દીધી હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા આજે સીલ કવરમાં સુપ્રીમ કોર્ટમાં તેનો અહેવાલ રજૂ કર્યો હતો. સીબીઆઈએ કાર્યકારી સીબીઆઈ ડિરેક્ટર નાગેશ્વર રાવ દ્વારા લેવામાં આવેલા તમામ મોટા નિર્ણય અંગેની માહિતી સીલ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપી હતી. કોર્ટને ૨૩મી ઓક્ટોબર બાદથી અધિકારીઓની બદલી અંગેની માહિતી પણ સોંપવામાં આવી હતી.
અગાઉ સુપ્રીમ કોર્ટે વર્મા સામે તેની પ્રાથમિક તપાસ બે સપ્તાહની અંદર પરિપૂર્ણ કરવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને આદેશ કર્ય હતો. વર્મા અને સીબીઆઈના અન્ય અધિકારી રાકેશ અસ્થાના વચ્ચે ખેંચતાણનો મામલો વધુ તીવ્ર બન્યા બાદ અને બંને દ્વારા એકબીજા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા પછી કેન્દ્ર સરકારે લાલઆંખ કરીને આ બંને અધિકારીઓને રજા ઉપર મોકલી દીધા હતા અને કાર્યકારી સીબીઆઈ ડિરેક્ટર તરીકે નાગેશ્વર રાવને જવાબદારી સોંપી હતી. વર્મા ખાસ સીબીઆઈ ડિરેક્ટર રાકેશ અસ્થાના સાથે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણમાં હતા. ત્રણ સભ્યોની સીવીસી સમક્ષ રજૂઆતો થઇ હતી. કેવી ચૌધરીના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સીવીસી સમક્ષ તર્કદાર દલીલો થઇ હતી. ડેપ્યુટી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઇને હોબાળો થયો હતો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં ત્રણ જજની બેંચ દ્વારા અગાઉ વર્માની અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે સીજેઆઈ અને જસ્ટિસ એસકે કૌલની બનેલી બે જજની બેંચ સમક્ષ મામલાની સુનાવણી થઇ હતી. આ સંદર્ભમાં નિર્ણય ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. કેન્દ્ર અને સીવીસીને નોટિસ જારી કરવા ઉપરાંત સુપ્રીમ કોર્ટે ૨૬મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટરની સામે પ્રાથમિક તપાસ પૂર્ણ કરવા સીવીસીને બે સપ્તાહની મહેતલ આપી હતી. કોર્ટે વર્મા સામે સીવીસીની ચાલી રહેલી તપાસ ઉપર નજર રાખવા સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એકે પટનાયકની નિમણૂંક કરી હતી.
સાથે સાથે આઈપીએસ અધિકારી નાગેશ્વર રાવને કોઇ મોટા નિર્ણયો ન કરવા સૂચના આપવામાં આવી હતી. નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના વડા નિમવામાં આવ્યા હતા. સીવીસી તરફથી ઉપÂસ્થત રહેલા સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સીવીસી વર્માના સંદર્ભમાં કેબિનેટ સેક્રેટરીના પત્રો અને ૨૪મી ઓગસ્ટની નોટના મામલામાં કરવામાં આવી રહેલા આક્ષેપોમાં તપાસ કરી રહી છે. ઉપરાંત જુદી જુદી બાબતોમાં ધ્યાન અપાઈ રહ્યું છે. અસ્થાનાએ પણ આ મામલામાં એક અલગ અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. સાથે સાથે સીબીઆઈના ડિરેક્ટરના હોદ્દાથી વર્માને દૂર કરવા માંગ કરી હતી.