પંજાબી ગાયક સિધ્ધુ મુસેવાલાની હત્યા કરી કચ્છના મુન્દ્રામાં ભાગી આવનાર ત્રણ ઇસમોને મકાન ભાડે આપનાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. મુસેવાલાની હત્યા બાદ સમગ્ર કચ્છમાં પોલીસ સતર્ક થઈ ભાડે મકાન આપતા લોકો પર કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સિધ્ધુ મુસેવાલાની હત્યા કરનાર ત્રણ શાર્પ શૂટરને મકાન ભાડે આપનાર મુન્દ્રા બારોઇના વતની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ગુનાની હકીકત મુજબ, ગત ૧૯ તારીખે દિલ્હી પોલીસે મુન્દ્રાના બારોઇ ગામના ખારીમીઠી રોડ પર આવેલા એક ઘરમાંથી ત્રણ લોકોને ગાયક મુસેવાલાની હત્યાના ગુનામાં ધરપકડ કરતાં સમગ્ર કચ્છમાં ચકચાર મચી હતી. દિલ્હી પોલીસના અંડરકવર ઓપરેશનની જાણ થતાં જ કચ્છ પોલીસ પણ સતર્ક બની ગઈ હતી. તો દિલ્હી પોલીસે ધરપકડ બાદ દિલ્હી ખાતે કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કચ્છના મુન્દ્રા મધ્યેથી પકડાયેલા ત્રણ આરોપીઓએ જ સિધ્ધુ મુસેવાલાની હત્યા કરી હતી. પંજાબમાં હત્યા કર્યા બાદ ત્રણેય ઈસમો કચ્છ ભાગી આવ્યા હતા અને મુન્દ્રાના બારોઇ મધ્યે ભાડાના મકાનમાં રહેતા હતા.
આ બનાવ બન્યા બાદ જ પોલીસે એકાએક ભાડે અપાતા મકાન વિશે તપાસ સઘન કરી લીધી છે. ત્યારે મુન્દ્રાના બારોઇમાં ખારીમીઠી રોડ પર આવેલા શાંતિલાલ માવજી કેનીયાના મકાનમાં રહેતા ત્રણેય શાર્પ શૂટરની વિગતો પણ મકાન માલિકે સ્થાનિક પોલીસને આપી ન હોવાના કારણે પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બારોઇના જ શાનક ફળિયામાં રહેતા ૬૪ વર્ષીય શાંતિલાલ માવજી કેનીયાએ પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેમણે આ બાબતના આધાર પુરાવા કોઈ પોલીસ સ્ટેશન અથવા અધિકૃત અધિકારીને જમા કરાવ્યા નથી.
કચ્છ જિલ્લા કલેકટર દ્વારા અમલમાં મુકાયેલ મકાન ભાડે આપવા બાબતનું જાહેરનામું ભંગ કર્યા બદલ પોલીસ દ્વારા મકાન માલિક વિરુદ્ધની રિપોર્ટ મુન્દ્રા કોર્ટને મોકલવામાં આવી હતી. અને કોર્ટ પાસેથી સી.આર.પી સી. કલમ ૧૫૫(૨) મુજબ કાર્યવાહી કરવા પરવાનગી મળી હતી. પોલીસે આધેડ મકાન માલિક વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ મુજબ જાહેરનામાની ભંગ કરવાની ફરિયાદ નોંધી છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને પંજાબમાં મનસામાં ગાયક સિધ્ધુ મુસેવાળાની ગોળીઓ મારી ઘાતકી હત્યા થતાં સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. તો હત્યાની જવાબદારી ઉઠાવનાર લોરેન્સ બિશનોઈ ગેંગ વિરુદ્ધ પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. તો મુન્દ્રાના બારોઇ ખાતેથી ત્રણ શાર્પ શૂટરની દિલ્હી પોલીસે ધરપકડ કર્યાના થોડા દિવસો પહેલા જ બિશનોઇ ગેંગના બે સાગરીતોને પણ પુને પોલીસે કચ્છના માંડવી ખાતેથી ઝડપ્યા હતા.