ગુજરાતમાં રસ્તે રઝળતાં ઢોર અને તૂટેલા રોડ આજકાલ સ્માર્ટ સિટી અમદાવાદની બે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. હાઈકોર્ટના આદેશ પછી અને સરકારે અધિકારીઓને ખખડાવ્યા બાદ ગુરુવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઢોર પકડવા પકડા-પકડીનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ મ્યુનિ. ઢોર વિભાગના કર્મચારીઓ રોડ પર ઢોર પકડવા દોડતા હતા. તો બીજી તરફ ઢોર છોડાવવા માલધારીઓ પણ દોડાતા જોવા મળ્યા હતા. દિવસ દરમિયાન માંડ ૭૨ ઢોર પકડાયાં હતાં. મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં એક ડીવાયએસપી સહિત ૧૦૦ જેટલા પોલીસ-એસઆરપીના જવાનો કાફલો છે. જેમનું મુખ્ય કામ રોડ ઢોર પકડવાનું છે. પોલીસ કમિશનરે ઘાસચારો વેચનારા લોકોને પકડવાનો આદેશ જારી કર્યો હતો.
આ આદેશથી કેટલાક પીઆઈ, એસીપી અને ડીસીપીએ તેમના વિસ્તારમાં ગુરુવાર સાંજથી જ ઘાસચારો વેચનારાને પકડવાનું શરૂ કર્યું છે.રોડ ઉપર રખડતી ગાયોના મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ઘાસચારો વેચનારા લોકો સામે કેસ કરવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત રખડતી ગાયોને પકકડવામાં મદદ કરવાની પણ જવાબદારી સોંપી છે. જ્યારે એસીપીને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરાવવા સૂચના આપી છે. તેમ છતાં પણ જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં જરા પણ નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. કરેલા આદેશમાં જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે ૨૬ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચાલુ થશે. જેમાં જાહેરમાં ઘાસચારો વેચનાર સામે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવા સૂચના આપી છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ કરાયો છે.