છેલ્લા અઠવાડિયાથી રોકડની અછતથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં ખેતીની આવક પર નભી રહેલા ખેડૂતોને રોકડ મળવાની સમસ્યા વ્યાપક ફલક પર પહોંચી રહી છે. બૅન્કમાં અને એટીએમમાં પૈસા ન મળતા હોવાથી ડિપોઝિટર્સ અને ખાતેદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
અમદાવાદ શહેરમાં પણ શાહીબાગ અને મેઘાણીનગર વિસ્તારના ઘણાં એટીએમમાં પૈસા ન હોવાની બૂમ ઊઠી છે. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં એટીએમમાં અને બૅન્કોમાં રોકડની અછત હોવાની કબૂલાત તો નાણાં મંત્રી નીતિન પટેલે પણ કરી છે. જોકે બૅન્કના જ અધિકારીઓ અને કોન્ગ્રેસના રાજકારણીઓ આ તંગીને ભાજપને વોટ ન આપનારા ખેડૂતોને કનડવાની સરકારી કૂટનીતિ તરીકે ઓળખાવી રહ્યા છે. બીજી તરફ રિઝર્વ બૅન્કના કરન્સી સપ્લાય વિભાગના અધિકારીઓ તેઓ રોજ કે સપ્તાહમાં કેટલી રોકડ બૅન્કોને આપી રહ્યા છે તે અંગે ફોડ પાડવા તૈયાર જ નથી. પરિણામે બૅન્કમાં ગ્રાહકો અને સ્ટાફ વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે.
રોકડની અછતનો સામનો કરતી બૅન્ક સ્ટાફના સભ્યોનું કહેવું છે કે રિઝર્વ બૅન્ક ગુજરાતની તમામ બૅન્કો માટે અઠવાડિયે માત્ર રૂ. ૧૦૦ કરોડ જ ફાળવે છે. તેમનું કહેવું છે કે તેમને સામાન્ય સંજોગોમાં મળતા રોકડના સપ્લાયની તુલનાએ અત્યારે માત્ર ૧૦ ટકા જ સપ્લાય મળી રહ્યો છે. રિઝર્વ બૅન્કના કરન્સી સપ્લાય વિભાગના અધિકારીઓ આ મુદ્દે ફોડ પાડતા જ નથી.
ઉત્તર ગુજરાતમાં આ સમસ્યા તીવ્ર હોવાનું જોવા મળી રહ્યુ છે. તેઓ વેપારીઓને માલ વેચીને તેમની પાસેથી ચેકથી નહિ, રોકડેથી પૈસા લેવા જ ટેવાયેલા છે. તેમને વેપારીઓના ચૅકમાં વિશ્વાસ નથી. ચૅક રિટર્ન જાય તો તેમનું વર્ષ નહિ, જિંદગી બગડી જવાનું જોખમ રહેલું છે. જોકે રિઝર્વ બૅન્કના અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતોએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સિસ્ટમમાં પૈસા મેળવી લેવાનો આગ્રહ રાખવો જોઈએ.
આરટીજીએસની સિસ્ટમમાં તેમને પાંચ જ મિનિટમાં તેમના પૈસા તેમના ખાતામાં જમા થઈ ગયા હોવાનો મેસેજ મળી જશે. મહેસાણા, વિસનગર, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુરના એપીએમસીમાં રોકડના અભાવને કારણે બૂમ પડી ગઈ છે. લગ્નસરા ને વેપારની સીઝનને કારણે રોકડની અછત સર્જાઈ છે તેથી કેન્દ્રના નાણાં મંત્રીને ઉત્તર ગુજરાતમાં તત્કાળ રૂ. ૨૦ કરોડની રોકડની વ્યવસ્થા કરાવવા કેન્દ્રના નાણાં મંત્રીને જણાવવામાં આવ્યું છે