અમદાવાદ: ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયાના ડબ્લ્યુઆઈઆરસીની અમદાવાદ શાખાએ સીએની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ પદવીદાન સમારંભ (કોન્વોકેશન) નું આયોજન કર્યું હતું. આ પદવીદાન સમારંભ શહેરમાં આવેલા નારાયણી હોટલ એન્ડ રિસોટ્ર્સ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફેકલ્ટીના ૫૪૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પદવીદાન સમારંભમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને સીએની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સમારંભમાં સ્ટલિગ ગ્રુપના ચેરમેન ગિરીશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતો તો, ઇડીઆઈના ડિરેક્ટર સ્થાપક ડો. વી.જી. પટેલ આ સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા.
ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ સીએ નવીન ડી ગુપ્તાએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કોન્વોકેશનને સંબોધ્યુ હતું. પદવીદાન સમારંભમાં ત્રણ રેન્કર્સને પદ્મશ્રી ડો.વી.જી.પટેલ અને ગીરીશ પટેલના હસ્તે સીએની ડિગ્રી એનાયત કરાઇ હતી. તો, બાકીના વિદ્યાર્થીઓને સેન્ટ્રલ કમીટી મેમ્બર સીએ બીનલ શાહ, અમદાવાદ બ્રાંચના ચેરમેન નીરવ ચોક્સી અને મેનેજીંગ કમીટીના હોદ્દેદારો દ્વારા સીએની પદવી એનાયત કરાઇ હતી. પદવીદાન સમારંભને લઇ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.૭મી સપ્ટેમ્બરના રોજ ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટનટ્સ ઓફ ઇન્ડિયાના ડબ્લ્યુઆઈઆરસીની અમદાવાદ શાખા દ્વારા ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ અને એ જ પરિસરવામાં આવેલી બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને કે.એસ.સ્કૂલના વિવિધ હોલમાં માસ એપ્રેન્ટીસશીપ રિક્રુટમેન્ટ ફેર યોજાવા જઇ રહ્યો છે, જેમાં અમદાવાદ બ્રાંચના મેનેજીંગ કમીટીના હોદ્દેદારો સહિત અન્ય મહાનુભાવો ખાસ હાજર રહેશે. આ ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવાશે અને તેઓને રોજગારીની તકો પ્રાપ્ય બનાવાશે.