નવી દિલ્હી : વેસ્ટઇન્ડિઝના પ્રવાસની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આ વખતે કેપ્ટન વિરાટ કોહલી ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. વર્લ્ડકપમાં સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ જે રીતે કેપ્ટનપદને લઇને કોઇ પ્રશ્ન ઉઠ્યા નથી તેને લઇને મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર સહિત અનેક ખેલાડીઓ અને વિતેલા વર્ષોના નિષ્ણાતો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સુનિલ ગાવસ્કરે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની પોઝિશનને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર અને ૧૯૮૩માં ભારતને વર્લ્ડકપ જીતાડવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરનાર કપિલ દેવની પણ વાનખેડે ખાતે ૧૯૮૭ના વર્લ્ડકપમાં સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ સામે હાર થયા બાદ હકાલપટ્ટી કરવામાં આવી હતી. સામાન્યરીતે ભારતમાં વર્લ્ડકપ અને પાકિસ્તાન સામેની શ્રેણી હંમેશા મહત્વપૂર્ણ રહે છે. આ બંનેમાં ટ્રોફી સિવાય કોઇપણ બાબત ભારતીય લોકોને પસંદ નથી. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચ બાદ કોહલીની કેપ્ટનશીપને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ ચાહકો ન્યુઝીલેન્ડ સામે માન્ચેસ્ટરમાં સતત ચાર મેચોમાં હારને મોટી નિષ્ફળતા તરીકે ગણી રહ્યા છે. સુનિલ ગાવસ્કરની પણ ૧૯૮૨-૮૩ની શ્રેણીમાં પાકિસ્તાન સામે ૩-૦થી હાર ખાધા બાદ હકાલપટ્ટી કરવામાં આવી હતી.
ગાવસ્કર માને છે કે, ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલ મેચમાં હાર થયા બાદ પસંદગીકારોએ કોહલીને ફેર કેપ્ટન બનાવવા માટે વિધિવત બેઠક કરવાની જરૂર હતી. કોહલીને સીધીરીતે કેપ્ટન તરીકેની જવાબદારી સોંપીને પસંદગીકારોએ પ્રશ્નો ઉઠાવ્યા છે. પસંદગીકારોએ વિન્ડિઝ સામેની ટીમ પસંદ કરી હતી પરંતુ તે પહેલા કેપ્ટનની પસંદગી કરવા માટે કોઇ બેઠક યોજી ન હતી. સુનિલ ગાવસ્કર ઉપરાંત અન્યો દ્વારા પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે, રવિ શાસ્ત્રી કોચ તરીકે જારી રહે તેવી ઇચ્છા કોહલીએ જ વ્યક્ત કરેલી છે. સાથે સાથે કોહલીની દરમિયાનગીરી ટીમને લઇને હંમેશા રહી છે. કેદાર જાધવ, દિનેશ કાર્તિક જેવા ખેલાડીઓને અપેક્ષા કરતા નિરાશાજનક દેખાવ બાદ પડતા મુકવામાં આવ્યા છે પરંતુ અપેક્ષા કરતા ખુબ નબળા દેખાવ છતાં કેપ્ટન તરીકે કોહલીને ચાલુ રાખવામાં આવ્યો છે તે મોટો પ્રશ્ન થયો છે. કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે ૨૦૧૭ બાદથી જે દેખાવ કર્યો છે તેની ચર્ચા જારી છે.