અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન છેલ્લા ૧પ દિવસથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે, જે રિપેરિંગ કરાવવા માટે તંત્ર દ્વારા સત્તાવાળાઓ દ્વારા તસ્દી સુધ્ધાં નહી લેવાતાં રોજના અનેક કેન્સરના દર્દીઓ બીમારીની પીડા સાથે અન્ય સ્થળે એમઆરઆઈ કરાવવા માટે હેરાનગતિ ભોગવી રહ્યા છે. સત્તાધીશોના આવા બેદરકારીભર્યા વલણને પગલે દર્દીઓ અને તેમના સગાવ્હાલામાં રોષની લાગણી ફેલાઇ છે.
હજુ પણ ટૂંક સમયમાં મશીન રિપેર થવાના કોઈ આસાર નહીં દેખાતાં દર્દીઓ ખાનગી સ્થળે એમઆરઆઈ કરાવવા અને અને વધુ પૈસા ખર્ચવા મજબૂર થઈ રહ્યા છે. કેટલાક મજબૂરીના માર્યા હેરાનગતિ ભોગવીને સિવિલ કેમ્પસમાં જઈ રહ્યા છે. જોકે સિવિલનું તંત્ર દાવો કરી રહ્યું છે કે, તેઓ તેમની જ હોસ્પિટલથી એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને જીસીએસ હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલ અત્યાધુનિક મશીનરીથી સજ્જ છે, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે હોસ્પિટલની એમઆરઆઈ સેવા ખોરવાઈ ગઈ છે. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે લાખો રૂપિયાના ખર્ચે વસાવવામાં આવેલ એમઆરઆઈ મશીન છેલ્લા ૧પ દિવસથી તો બંધ હાલતમાં છે જ પણ તેને હજુ રિપેર થતાં બીજા દસ દિવસ લાગશે એટલે દર્દીઓએ વધુ ૧૦ દિવસ આમથી તેમ ધક્કા ખાવા પડશે.
દર્દીને અત્યારે સિવિલ હોસ્પિટલ અસારવામાં એમઆરઆઈ માટે રીફર કરવામાં આવે છે ત્યાં દર્દીઓનો ધસારો વધી જવાના કારણે દર્દીઓને ર૦થી ૩૦ દિવસ પછીની અપોઈન્ટમેન્ટ આપવામાં આવે છે એટલે જે દર્દીને ઇમર્જન્સી છે તેમને બમણાં નાણાં ચૂકવવાની નોબત આવી છે. સિવિલમાં એમઆરઇનો ચાર્જ રૂ. રર૦૦ છે, જ્યારે નજીકનાં ખાનગી સેન્ટરમાં તેનો ભાવ ૪૦૦૦થી ૪પ૦૦ રૂપિયા છે. આ અંગે હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે, હાલમાં હોસ્પિટલનું એમઆરઆઇ મશીન બંધ છે. તે જૂનું હોવાથી તેને રિપેર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જો મશીન રિપેર નહીં થાય તો નવું એમઆરઆઇ મશીન આવી ગયું છે.જે દિવાળી પછી ઇન્સ્ટોલ થશે. ત્યાં સુધી અહીંના દર્દીઓને જીસીએસ અસારવા હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે.
અન્ય સૂત્રોએ જણાવ્યું હતું કે જે તે કંપની કે જેને મશીનના મેન્ટેનન્સનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ દિવાળીની રજાઓ હોઈને મશીન એક સપ્તાહ પછી જ રિપેર થાય તેવી શક્યતા છે. આ મશીન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવાથી તેના રિપેરિંગ માટે મુંબઈથી ટેકનિશિયન બોલાવવા પડે છે. કારણ ગમે તે હોય એમઆરઆઇ સુવિધા ખોરવાઈ જતાં દર્દીઓને બહાર બમણાં નાણાં વેડફવા પડે તેવી પરિસ્થિતી ઊભી થઇ છે. સિવિલમાં બીપીએલકાર્ડધારકોને વિનામૂલ્યે તેમજ અન્ય દર્દીઓને રાહતદરે એમઆરઆઈ કરી આપવામાં આવે છે, પરંતુ આ મશીન બંધ થઇ જતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇ દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓમાં ઉગ્ર રોષની લાગણી જાવા મળી રહી છે.