કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લેઆમ સમર્થન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની સમર્થકોને ખુલ્લેઆમ સમર્થન આપવામાં આવી રહ્યું છે. કેનેડાના બ્રેમ્પટન શહેરમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવામાં આવી હતી, જેમાં બે શીખ બંદૂકધારીઓ તેમને ગોળી મારતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને ૮૪ના રમખાણોના બેનરો પણ હતા. વીડિયોમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની કેનેડાના બ્રામ્પટનમાં કથિત રીતે ખાલિસ્તાની દ્વારા કરવામાં આવેલી હત્યાને દર્શાવતી એક ઝાંખી બતાવવામાં આવી છે. સમર્થકો દ્વારા ૫ કિલોમીટર લાંબી ઝાંખી કાઢવામાં આવી હતી. કથિત વીડિયો ૬ જૂને ઓપરેશન બ્લુ સ્ટારની ૩૯મી વર્ષગાંઠ પહેલા ૪ જૂને બ્રામ્પટનમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા કાઢવામાં આવેલી માર્ચનો હોવાનું માનવામાં આવે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ખાલિસ્તાની સમર્થકોએ લગભગ ૫ કિલોમીટર લાંબા નગર કીર્તનમાં આ ઝાંખી બતાવી હતી. જ્યારે, સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ લોકોની તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકોએ આ ઝાંખીની સખત નિંદા કરી રહ્યા છે.કેનેડામાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.

સોશિયલ મીડિયા પર ઝાંખીનો વીડિયો પોસ્ટ કરીને, લોકો કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોની ટીકા કરીને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરવા અભિયાન ચલાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓપરેશન બ્લુ સ્ટાર એ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની અંદર છુપાયેલા આતંકવાદીઓ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન હતું. જેમાં ૩ અને ૬ જૂન, ૧૯૮૪ વચ્ચે સુવર્ણ મંદિર પરિસરની ઘેરાબંધી દરમિયાન સેના દ્વારા જરનૈલ સિંહ ભિંડરાવાલેના નેતૃત્વમાં સેંકડો શીખ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આના ચાર મહિના પછી, ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને તેમની સુરક્ષા હેઠળ તૈનાત બે શીખ જવાનોએ ગોળી મારી હત્યા કરી દીધી હતી.

Share This Article