નવી દિલ્હી : ટી-૨૦ ક્રિકેટના વિક્રમી ખેલાડી ક્રિસ ગેઇલે ફરી એકવાર સાબિતી આપી દીધી છે કે, તે ક્રિકેટના યુનિવર્સ બોસ તરીકે છે. હાલના દિવસોમાં ગ્લોબલ ટી-૨૦ કેનેડા લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેટ્સમેને આજે તોફાની સદી ફટકારીને ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. વેનકંવર નાઇટના આ ખેલાડીએ ૫૪ બોલમાં ૧૨૨ રનની અણનમ ઇનિંગ્સ ફટકારી હતી જેમાં ૧૨ છગ્ગા અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે. ગેઇલની આ ઇનિંગ્સના પરિણામ સ્વરુપે વેનકંવર નાઇટે મોન્ટ્રીયલ ટાઇગર્સની સામે નિર્ધાિરત ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૨૭૬ રન બનાવ્યા હતા.
જો કે, ખરાબ હવામાનના પરિણામ સ્વરુપે મેચની બીજી ઇનિંગ્સ રમાઈ શકી ન હતી અને બંને ટીમોને એક-એક પોઇન્ટ આપી દેવામાં આવ્યા હતા. ગેઇલની આ તોફાનિ ઇનિંગ્સ બાદ વાવાઝોડા પરિણામ સ્વરુપે મેચ રમાઈ શકી ન હતી. આ લીગમાં ૩૯ વર્ષીય ક્રિસ ગેઇલે ત્રીજી મેચ રમતા આ સદી ફટકારી હતી. આ પહેલા બે મેચોમાં ગેઇલ ૧૨ અને ૪૫ રને આઉટ થયો હતો પરંતુ ત્રીજી મેચમાં મેદાનમાં ઉતર્યા બાદ મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરી હતી. ગેઇલની આ ઇનિંગ્સ ખુબ જ ઝંઝાવતી રહી હતી. આ ઇનિંગ્સમાં ક્રિસ ગેઇલે મેદાનની ચારેબાજુ હરીફ બોલરોને ફટકાર્યા હતા. પોતાની આ ઇનિંગ્સની ૪૭માં બોલ પર ગેઇલે છગ્ગો ફટકારીને સદી પુરી કરી હતી. કેનેડા જી-ટી વિલ્સમાં આ પ્રથમ સદી હતી. ગેઇલની આ ઇનિંગ્સથી બચવા માટે મોન્ટ્રીયલ ટાઇગર્સની ટીમે તમામ પ્રયાસો કર્યા હતા અને છ બોલરોને બોલિંગમાં લગાવ્યા હતા પરંતુ સુનિલ નારેન સહિત કોઇ બોલર અસર કરી શક્યા ન હતા અને તેની ધરખમ બેટિંગ જારી રહી હતી.
૩૯ વર્ષીય ક્રિસ ગેઇલે ભારતની સામે આગામી વનડે શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ભારતને વેસ્ટઇન્ડિઝમાં ૮મી ઓગસ્ટથી ૧૪મી ઓગસ્ટ વચ્ચે ત્રણ વનડે મેચો રમવાની બાકી છે. ક્રિસ ગેઇલને વેસ્ટઇન્ડિઝની વનડે ટીમમાં તક મળી ગઇ છે. પોતાની નિવૃત્તિ બાદ તે દુનિયાભરમાં રમાનાર ટી-૨૦ લીગમાં રમવાનું જારી રાખશે. ટી-૨૦ યુનિવર્સલ બોસ તરીકે ક્રિસ ગેઇલની છાપ રહેલી છે. આ છાપ જાળવી રાખીને ક્રિસ ગેઇલે ધરખમ બેટિંગ કરી હતી. મેદાન ઉપર ઉપસ્થિત રહેલા તમામ ચાહકોને ક્રિસ ગેઇલે રોમાંચિત કરી દીધા હતા. ક્રિસ ગેઇલ ભારત સામે પણ જોરદાર દેખાવ કરવા માટે જોરદારરીતે ઉત્સુક દેખાઈ રહ્યો છે.