રણબીર અને આલિયા કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બૉયકોટ બોલિવૂડનો ટ્રેન્ડ ફિલ્મને ફ્લોપ કરાવશે તેવી આશંકા ખોટી ઠરી છે. જો કે સની દેઓલની એન્ટ્રી થતાં જ બ્રહ્માસ્ત્રનું સ્થાન જોખમમાં મૂકાયું છે. એડવાન્સ બુકિંગમાં સનીની ફિલ્મ ચુપ ભારે પડી રહી છે. ગંગુબાઈ કાઠિયાવાડી અને શમશેરા કરતાં વધારે ટિકિટ ચુપની બૂક થઈ છે. સની દેઓલ, દલકીર સલમાન અને પૂજા ભટ્ટની ફિલ્મ “ચુપઃ રિવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ” ૨૩મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સાઈકોપેથ સિરિયલ કિલર આધારીત છે.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ સની દેઓલને જોવા માટે ઓડિયન્સ ઉત્સુક હતું. ઓડિયન્સે સની દેઓલ માટેના પ્રેમનો પરિચય આપતાં દિલ ખોલીને એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના મતે, દલકીર સલમાન અને સનીની આ ફિલ્મે રિલીઝ પહેલા જ ૧.૨૫ લાખ ટિકિટ વેચી છે. એડવાન્સ બુકિંગને જોતાં આ ફિલ્મ બોક્સઓફિસ પર ધમાલ મચાવે તેવી શક્યતા છે. ઓપનિંગ ડે પર ફિલ્મને રૂ.પાંચ કરોડ જેટલો બિઝનેસ મળી શકે છે. સની દેઓલ અને દલકીર સલમાનની ફિલ્મે એડવાન્સ બુકિંગમાં આલિયા અને રણબીર બંનેની ફિલ્મોને માત આપી છે. શમશેરાને માત્ર ૪૬ હજાર ટિકિટનું એડવાન્સ બુકિંગ મળ્યું હતું. ગંગુબાઈ કાઠિયાવાડીની ૫૬ હજાર ટિકિટ એડવાન્સમાં બૂક થઈ હતી. આર બાલ્કિએ ચુપનું ડાયરેક્શન કર્યું છે. માત્ર ૧૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ખૂબ ઝડપથી પ્રોફિટ બૂક કરી લેશે તેમાં કોઈ શંકા નથી.