પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ‘‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’’ થીમ જાહેર કરાઇ છે.
સરકારના વન વિભાગ દ્વારા આગામી ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરાશે જેમાં પ્લાસ્ટિક વેસ્ટના નિયમોના અમલીકરણ માટે કાર્ય શિબિર યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘની ઉપસ્થિતિમાં આ કાર્યશિબિરનો સવારે ૧૦-૦૦ કલાકે શુભારંભ કરાશે.
આ પહેલાં મુખ્યમંત્રી પ્લાસ્ટિક કચરાના સુચારુ વ્યવસ્થાપન માટે યોજાયેલ પ્રદર્શનને ખુલ્લું મૂકીને પ્રદર્શનની મુલાકાત પણ લેશે. પ્લાસ્ટિક વેસ્ટ નિયમો અંગે પુસ્તિકાનું વિમોચન તથા ક્લીનર પ્રોડક્શન એવોર્ડ પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે યોજાયેલ ચિત્રસ્પર્ધાના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાશે.
આ સેમિનારમાં બપોરે ૧૨ થી સાંજના ૪-૩૦ સુધીમાં એસેન્સ ઓફ લીગલ ફોર્મ્યુલેશન ઇન ઇન્ડિયા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ એન્ડ આઉટકમ, લાઇફ સાયકલ એસેસમેન્ટ ઓફ પ્લાસ્ટિક, રોલ ઓફ મ્યુનિસિપાલિટિઝ એન્ડ ધ બોટલ નેક્સ, પ્લાસ્ટિકને જાણો, કો-પ્રોસેસિંગ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ ઇન સિમેન્ટ કલીન્સ, માઇક્રો પ્લાસ્ટિક વેસ્ટ, કરન્ટ સીનારિયો એન્ડ રોલ ઓફ આઇઇસી ટુ કર્બ ધ પ્રોબલેમ, વેસ્ટ મેનેજમેન્ટ સેક્ટર – અ પ્રોસેસિંગ બિઝનેસ, ટેકનોલોજી-સ્ટેટસ એન્ડ રોલ ઇન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટેક્નોલોજી ફોર રિસાયક્લિંગ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ અને આઇએસ : ૧૪૫૩૪ ગાઇડલાઇન ફોર રિસાયક્લિંગ ઓફ પ્લાસ્ટિક વિષય ઉપર વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચર્ચા-વિચારણા કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપનના કાયદાનો સુચારુ રીતે અમલ કરવા પ્લાસ્ટિકના ઉત્પાદકો તેમજ પેકેજીંગ એકમો અને વપરાશકર્તા નાગરિકો પણ આ પ્રત્યે જાગૃત બને તે અત્યંત અનિવાર્ય છે. વિશ્વ પર્યાવરણ દિન ૨૦૧૮ની ઉજવણી નિમિત્તે રાજ્યમાં ૧૮મી મેથી પ્લાસ્ટિક કચરાને જાહેર સ્થળે, માર્ગની આસપાસની જગ્યાઓ, નદીકાંઠાઓ, દરિયાકાંઠાના ખાસ વિસ્તારો ખાતે સાફ સફાઇ ઝુંબેશ હાથ ધરીને સાફ-સુથરી કરવામાં આવ્યા છે, એમ વન વિભાગ દ્વારા જણાવાયું છે.