આર્યુવેદિક ગુણોથી ભરપૂર એવા ઉંટડીના દૂધની માંગ આજકાલ વધી છે. ખાસ કરીને મોટા શહેરોમાં ઉંટડીના દૂધની માંગ વધી છે. આ કારણોસર કચ્છી -ખરાઇ ઉંટડીના ખરીદનારાં પણ વધ્યાં છે. કચ્છમાં મહિને ૩૦ હજાર લિટર ઉંટડીના દૂધનુ વેચાણ થઇ રહ્યુ છે. ઉંટડીના દૂધમાંથી બનતાં આઇસ્ક્રીમ,ચોકલેટની મેટ્રોસિટીમા ફેવરીટ બની રહી છે. એક સમયે ઉંટડીનું દૂધ વેચતાંય માલધારીઓ ડર અનુભવતા હતાં કેમ કે, આ દૂધને માન્યતા મળી ન હતી. હવે ‘ફુડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ ઓફ ઇન્ડિયા’એ કચ્છી ઉંટડીના દૂધને માન્યતા આપી છે.
ઉંટડીનુ દૂધ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ લાભદાયી છે જેના પગલે માંગ વધી છે. ખુદ કચ્છી માલધારીઓ એ વાતને કબૂલી રહ્યા છેકે, એક સમયે ઉંટડીનું દૂધ પંદર રુપિયે લિટરે પણ વેચાતુ ન હતું. આજે ખુદ અમૂલ ડેરી રૂ. ૫૧ લિટરના ભાવે ઉંટડીનું દૂધ ખરીદી રહ્યુ છે.કચ્છના માલધારીઓ પાસેથી ઉટડીનું દૂધ ખરીદી નખત્રાણા પાસેના ચિલીંગ સેન્ટરમાં એકત્ર કરીને આણંદ અમૂલ ડેરીમાં પ્રોસેસ માટે મોકલાય છે જ્યાં ઉંટડીના દૂધની ચોકલેટ બને છે.
કચ્છમાં માલધારીઓ રોજ અંદાજે ૧૨૦૦-૧૩૦૦ લિટર ઉંટડીનુ દૂધ અમૂલને વેચે છે. આ ઉપરાંત ભૂજમાં દિલ્હીની એક ખાનગી ડેરી પણ રોજનું ૮૦૦ લિટર ઉંટડીનુ દૂધ ખરીદી રહી છે. આ એજ પ્રસ્થાપિત કરે છે કે, ઉંટડીના દૂધની માંગ વધી છે. ઘણાં માલધારીઓ હવે દૂધની કમાણી જોઇ ફરી પશુ વ્યવસાય તરફ વળ્યાં છે તેનુ કારણ એ છે કે, માલધારીઓ ઉંટડીનું દૂધ વેચી મહિને રૂ..૧૫-૨૦ હજાર કમાતા થયા છે. આમ,કચ્છી ઉંટડી ખરીદનારાં પણ વધ્યાં છે. કચ્છી ઉંટડીના દૂધને પ્રોત્સાહન મળે,વેચાણ વધે તે માટે રાજય સરકારે ત્રણ કરોડની સહાય કરી છે.