અમદાવાદ : કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ(KFS) દ્વારા અમદાવાદ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ખુબજ ઉત્સાહ સાથે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બપોર અને સવારની શિફ્ટના વિદ્યાર્થીઓ માટે એક જ દિવસે બે પ્રભાવશાળી શો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં બંને શિફ્ટમાં 550+ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ભવ્ય આયોજન, દરેક બાળકમાં કોન્ફિડન્સ, ક્રિએટિવિટી અને કેરેક્ટરને પ્રોત્સાહન આપવા માટેની શાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કાર્યક્રમની શરૂઆત જ્ઞાન અને સમજના પ્રતીક, દીપ પ્રગટાવીને થઈ હતી અને ત્યાર પછી ભાવનાત્મક પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો અને અન્ય લોકોએ આ પ્રસંગે હાજરી આપીને આ ઉત્સવને ખાસ બનાવ્યો હતો.
આ વાર્ષિક સમારોહનો વિષય, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે “સંસ્કારદીપ, મૂલ્યોનો દીવો” અને પૂર્વ-પ્રાથમિક અને ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓ માટે “સ્વાનુભૂતિ, સંઘર્ષથી આત્મસાક્ષાત્કાર સુધીની સફર” હતો, જે શાળાના સર્વાંગી શિક્ષણ સાથેની ફિલસૂફી સાથે સુસંગત છે. વિદ્યાર્થીઓએ અસરકારક નાટકો, અભિવ્યક્ત નૃત્યો, સંગીતમય અને સર્જનાત્મક પ્રસ્તુતિઓ દ્વારા આજની આધુનિક દુનિયામાં ડિજિટલ વ્યસન, પર્યાવરણીય અસંતુલન, તણાવ, પરિવારના સભ્યો વચ્ચે વધતું અંતર, સાંસ્કૃતિક અસંગતતા, હિંસા, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને નૈતિક મુંઝવણ જેવા સમકાલીન પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રદર્શનોમાં આદર, કૃતજ્ઞતા, પ્રામાણિકતા, શિસ્ત, સહાનુભૂતિ, હિંમત, આત્મ-નિયંત્રણ, દ્રઢતા, સકારાત્મક વિચારસરણી અને ટેકનોલોજીનો ધ્યાનપૂર્વકનો ઉપયોગ જેવા મૂલ્યો અને વિચારો ઉજાગર કરવામાં આવ્યા હતા.
વિવિધ સંસ્કૃત સાહિત્ય અને ભગવદ્ ગીતાથી પ્રેરિત ભારતીય સાંસ્કૃતિક જ્ઞાન અને દાર્શનિક વિચારસરણી, આ પ્રસ્તુતિઓનો આધાર બની હતી. જે દર્શાવે છે કે, સાચી પ્રગતિ, એ ફક્ત બાહ્ય સફળતામાં જ નહીં, પરંતુ આંતરિક જાગૃતિ, સંતુલન અને જવાબદારી સાથે કાર્ય કરવામાં સમાયેલી છે. દરેક પ્રદર્શને, એક મજબૂત સામાજિક સંદેશ આપ્યો હતો, જેણે વિદ્યાર્થીઓ અને પ્રેક્ષકોને વિચારવા, મૂલ્યો સાથે ફરીથી જોડાવા અને સમાજમાં જવાબદાર સાથે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીની હાજરીથી નૂન શિફ્ટ સ્કૂલ શોની શોભામાં વધારો થયો હતો. તેમણે સતત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને શિક્ષણના કેન્દ્રમાં રાખતી પ્રવૃત્તિઓ ડિઝાઇન કરવા બદલ શાળાને અભિનંદન આપ્યા હતા. આની સાથે જ, તેમણે શિક્ષણમાં મૂલ્યો, સર્જનાત્મકતા અને જીવન કૌશલ્યોને એકીકૃત કરવાના શાળાના પ્રયાસોની ભારોભાર પ્રશંસા કરી હતી.
મોર્નિંગ શિફ્ટ સ્કૂલ શોમાં ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ આ પ્રસંગની પ્રતિષ્ઠા વધારી હતી અને શાળા સમુદાયને પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સિદ્ધિઓને માન્યતા આપવામાં આવી હતી, જેમાં પુરસ્કાર વિજેતા ટીમો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન તેમજ તેમના ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ઉજવણી કરતા બેસ્ટ હાઉસની જાહેરાત સામેલ હતી.
સ્કૂલનો વાર્ષિક ઉત્સવનું ખુબજ ભવ્ય રીતે સમાપન થયું હતું, જેમાં વાલીઓ અને મહેમાનોએ વિદ્યાર્થીઓના પ્રદર્શન અને શાળાના વિઝનની સરાહના કરી હતી. કેલોરેક્સ ફ્યુચર સ્કૂલે ફરી એકવાર એવું શિક્ષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જે શૈક્ષણિક ક્ષેત્રથી આગળ વધે છે. KFS ગ્રુપ, એવું શિક્ષણ આપવા પર ભાર મૂકે છે, જે વિદ્યાર્થીઓના ચારિત્ર્યનું નિર્માણ કરે છે, મૂલ્યોને પ્રેરણા આપે છે અને તેમને આત્મવિશ્વાસ, કરુણા અને સ્પષ્ટતા સાથે જીવનના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરે છે.
