અમદાવાદ: ઘાટલોડિયા સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ દ્વારા ભારતના 79માં સ્વતંત્રતા દિવસની ખુબજ ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના ડિરેક્ટર એકેડેમિક્સ શ્રીમતી આરતી મિશ્રા, નજીકની સોસાયટીઓના વિશેષ મહેમાનો હસમુખભાઈ પટેલ (જ્યુપીટર હાઉસિંગ સોસાયટી) અને વિકેશભાઈ પટેલ, સેક્રેટરી (મંદાકિની સોસાયટી) ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભની શરૂઆત શ્રીમતી આરતી મિશ્રા અને શાળાના આચાર્ય શ્રીમતી સીમા મિશ્રા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. તેના પછી, વંદે માતરમ અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. શાળાના યુવા કેડેટ્સ દ્વારા પ્રસ્તુત જીવંત માર્ચ પાસ્ટમાં શિસ્ત, એકતા અને ચોકસાઈનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું.
શ્રીમતી આરતી મિશ્રા અને શ્રીમતી સીમા મિશ્રાએ સભાને સંબોધિત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સ્વતંત્રતા અને જવાબદારીના મૂલ્યોને જાળવી રાખવા પ્રેરણા આપી હતી. ઊજવણીના ભાગરૂપે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત, દેશભક્તિ ગીત “આઓ બચો તુમ્હે દિખાયે” નું સંસ્કૃત સંસ્કરણ, એક ભાવનાત્મક દેશભક્તિ નૃત્ય, રંગબેરંગી જન્માષ્ટમી-થીમ આધારિત કૃષ્ણ-લીલા નૃત્ય અને ભારતના વારસા અને પરંપરાઓ પર એક વિચારપ્રેરક નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સમાપન હેડ બોય પ્રેયાંશ પટેલ દ્વારા આભારવિધિ સાથે થયું હતું. તેમણે કાર્યક્રમને યાદગાર બનાવવા બદલ તમામ મહાનુભાવો, માતાપિતા, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઊજવણી દરમિયાન, ‘જય હિંદ’, ‘વંદે માતરમ’, ‘ભારત માતા કી જય’ ના નારા સાથે સમગ્ર સ્કૂલ પરિસર દેશભક્તિ, સાંસ્કૃતિક ગૌરવ અને ઉત્સવના આનંદથી ગુંજી ઉઠ્યું હતું.