ગુજરાતના વન્યજીવ અભયારણ્યો સંદર્ભે કેગનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેગના રિપોર્ટમાં ખુલાસો કરાયો કે, ગુજરાત રાજ્ય પાસે રાજ્યની ચોક્કસ વન નીતિ નથી. રાષ્ટ્રિય વન નીતી અને રાષ્ટ્રિય વન્યજીવન કાર્ય યોજનાના અમલીકરણ માટે પણ કોઈ પદ્ધતિ નથી. ગુજરાત રીંછ સંરક્ષણ અને કલ્યાણ કાર્ય યોજના હેઠળ કામગીરી હજૂ પણ બાકી છે. વન અધિકાર અધિનિયમ નાં ૧૪ વર્ષ પછી પણ મહત્વના વન્યજીવન આવાસ નક્કી થયા નથી. તો વ્યવસ્થાપન યોજનાઓ તૈયાર કરવામાં વિલંબ થયો અને અભયારણ્યોનું સંચાલન હંગામી ધોરણે થયું. કેગના રિપોર્ટમાં અન્ય બાબતો વિશે જણાવાયું કે, વન કર્મચારીઓને અપાયેલી રાઈફલ સિવાયની રાઈફલની તાલીમ અપાઈ. તપાસ નાકા સ્થપાયા ન હતા અથવા નિષ્ક્રિય હતા. ૨૪ કલાક સંચાર માટે ઉપકરણો પૂરતા પ્રમાણમાં ન હતા. મંજૂરી બાકી હોવા છતાં રસ્તાઓ પહોળા કરવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. આ ઉપરાંત વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૧ દરમિયાન. વન અને પર્યાવરણ માટેની કુલ અંદાજપત્રીય જોગવાઈ રાજ્ય સરકારની કુલ અંદાજપત્રીય રકમ ૧ ટકા કરતા પણ ઓછી હતી.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં છેલ્લા દિવસે આજે રાજ્ય સરકારે વન વિભાગનો કેગનો રિપોર્ટ ગૃહમાં રજૂ કર્યો હતો. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ઈતિહાસની સાચવણીમાં ખૂબ જ આળસ અને કેન્દ્ર સરકારની નીતિના અમલમાં ખૂબ જ ઢીલાશ રાખી છે. આસપાસના પાડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સરકાર સાથે પણ ગુજરાત સરકારે સરહદી અભ્યારણ બાબતે કોઈ જ ચર્ચા-વિચારણા કરી નથી. કેગના રિપોર્ટમા એમ પણ જણાવાયું કે, ગુજરાતના વનોમાં ગેરકાયદેસર વૃક્ષ છેદનના ૧૮,૪૬૯ કિસ્સા બન્યા છે. આ આંકડો બહુ જ ચોંકાવનારો છે.
આ ઉપરાંત લાયકાત ધરાવતા વન ગ્રામીઓને ફાયરઆર્મ ઉપલબ્ધ કરાવવા સૂચના છે. ઈકોટૂરાઝમના ફાયદા સાથે નુકશાનનો ઉલ્લેખ કેગના રિપોર્ટમાં કરાયો. ઈકો ટૂરિઝમના કારણે વન્ય જીવોના રહેઠાણને ખલેલ પહોંચી રહી છે. અભયારણ્યોમા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કચરો જોવા મળ્યો, જે પ્રાણીઓ માટે નુકસાનકારક છે. વન વિભાગના કર્મચારીઓની રાયફલ અંગે મોટો ખુલાસો થયો છે. વન વિભાગના કર્મચારીઓને તાલીમ અલગ રાઈફલથી અને ઉપયોગમાં અલગ રાયફલ આપતી હોવાનો ખુલાસો થયો. વિધાનસભામાં ગઈકાલે રજૂ થયેલા વન વિભાગના વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ ના રિપોર્ટમાં ખુલાસો થયો છે. વન વિભાગના કર્મચારીઓને ૦.૨૨ રાયફલથી તાલીમ અપાઈ છે, વન વિભાગના કર્મચારીઓને રક્ષણ માટે હાલ ૦.૧૨ બારબોરની રાયફલ અપાય છે. જેની જરૂરિયાતના સમયે કર્મચારીઓ કામગીરી કરે તો વિપરીત અસર થઈ શકે છે. આમ, કેગના રિપોર્ટમાં ગુજરાતના વન વિભાગને ફટકાર લગાવતા મુદ્દાઓ ટાંકાવામા આવ્યા છે. આ રિપોર્ટ શનિવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો.