નવી દિલ્હી : રાફેલ ડિલ ઉપર જારી રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે આજે કેગનો અહેવાલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના કહેવા મુજબ યુપીએના ગાળાની સરખામણીમાં એનડીએના શાસનકાળમાં ૨.૮૬ ટકા સસ્તામાં આ ડિલ થઇ છે. કેગના રિપોર્ટ મુજબ ૧૮૬ વિમાનોની સરખામણીમાં ભારતે ૩૬ રાફેલ કોન્ટ્રાક્ટમાં ૧૭.૦૮ ટકા પૈસા બચાવ્યા છે. મોદી સરકારના સમયમાં ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદીનો સોદો થયો હતો. આનાથી પહેલા યુપીએના સમયગાળામાં ૧૨૬ રાફેલ વિમાનોનો સોદો થયો હતો. તે પહેલા અનેક શરતો પર સર્વસંમતિ થઇ શકી ન હતી. રાફેલ પર કેગના રિપોર્ટમાં શું છે તે નીચે મુજબ છે.
- કેગના ૧૪૧ પાનાના રિપોર્ટને સંસદમાં ઉપરી ગૃહ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે જેમાં કેગે તુલનાત્મકરીતે મુલ્યાંકન કર્યું છે. કેગે સંરક્ષણ મંત્રાલયના એવા તર્કને ફગાવી દીધું છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૬માં રાફેલ વિમાનોની સોદાબાજી ૨૦૦૭ના પ્રસ્તાવની તુલનામાં નવ ટકા સસ્તી હતી
- કેગના રિપોર્ટ મુજબ ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રાફેલ ડિલ પહેલાની સરખામણીમાં ૨.૮૬ ટકા સસ્તી રહી છે
- વધુ સારી શરતો અને મૂલ્યોની સાથે ભારત અને ફ્રાંસ વચ્ચે ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી માટે સહમતિ થઈ હતી. આ ડિલમાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને સમર્થન આપવા માટે ઓફસેટ મેળવવાની બાબત પણ સામેલ હતી
- કેગ રિપોર્ટમાં ૨૦૦૭ના ટેન્ડર અને ૨૦૧૬ના કરારને ટેબલ પર દર્શાવવામાં આવ્યો છે અને આ પહેલાની સરખામણીમાં સસ્તો સોદો હોવાનો દાવો કરાયો છે. કેગ મુજબ જ ૨૦૦૭ના છેલ્લા પ્રસ્તાવમાં ૨૦૦ એવિએશને પરફોર્મન્સ એન્ડ ફાઈનાન્સિયલ વોરંટીની વાત કરી હતી જે કુલ રકમની ૨૫ ટકા રકમ હતી
- વર્તમાન કરારમાં વિમાનોની ડિલિવરી જુના કરારની સરખામણીમાં એક મહિના પહેલા થશે. તૈયાર વિમાન જુના કરાર મુજબ ૭૨ મહિનામાં મળનાર હતા જ્યારે ૨૦૧૬ના કરાર મુજબ ૭૧ મહિનામાં તૈયાર કરાશે
- કાનૂન મંત્રાલયની સલાહ ઉપર સંરક્ષણ મંત્રાલય દ્વારા ફ્રાંસ સરકારથી સાવરન ગેરન્ટી માંગવામાં આવી હતી પરંતુ ફ્રાંસ સરકારે માત્ર લેટર ઓફ કન્ફર્ટ આપવાની તૈયારી દર્શાવી હતી
- ભારતીય હવાઈ દળે એરસ્ટાફ ક્વાન્ટીટીવ રિક્વાયરમેન્ટને યોગ્યરીતે ન દર્શાવતા કોઇપણ ટેન્ડર એએસક્યુઆર ઉપર યોગ્ય રહ્યા ન હતા
- ખરીદી પ્રક્રિયાના ગાળા દરમિયાન એએસક્યુઆરને વહેલીતકે બદલવામાં આવ્યા હતા જેના કારણે ટેકનિક અને પ્રાઇઝ મુલ્યાંકનમાં તકલીફોનો સામનો કરવો પડ્યો હતો
- રાફેલ ખરીદીમાં વિલંબ માટે કારણ આ પણ રહ્યું હતું
- પહેલા ૧૮ યુદ્ધ વિમાનોની ડિલિવરી ૧૨૬ રાફેલની સરખામણીમાં સારી છે. શરૂઆતમાં ૧૮ વિમાન અગાઉની ડિલની સરખામણીમાં પાંચ મહિના પહેલા ભારત આવશે