અમદાવાદ : વાર્ષિક રૂ.૨૦૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા ગરવારેના ૨૬ વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે. આજે સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ ફેમિલી કોર્ટે રાજીવ મોદી અને મોનિકાના છૂટાછેડા મંજૂર કર્યા છે. સાથે સાથે કોર્ટે ડિવોર્સ માટેનો કુલિંગ પીરિયડ પણ રદ કર્યો છે. દેશભરમાં સૌથી મોટી રકમનું ભરણપોષણ લઇ છૂટાછેડા લેવાયા હોય એવી આ બીજા નંબરની જ્યારે ગુજરાતની પહેલા નંબરની ઘટના છે. આ ડિવોર્સ માટે રાજીવ મોદીએ મોનિકા ગરવારેને ૨૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
જ્યારે આ પહેલા ફિલ્મ એક્ટર ઋત્વિક રોશને સુઝાનખાનને ૪૦૦ કરોડ ચૂકવીને છૂટાછેડા મેળવ્યા હતા. કેડિલા ફાર્માના ચેરમેન રાજીવ મોદી અને મોનિકાના સૌથી મોંઘા છૂટાછેડા આજે રાજયભરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ માસમાં બન્ને વચ્ચેના ઝઘડાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જેમાં મોનિકાએ રાજીવ મોદી પર વ્યભિચારનો તથા પોતાનું ગળું દબાવવાનો આરોપ મુક્યો હતો. આ હાઇપ્રોફાઇલ કેસમાં આજે ચુકાદો જાહેર થયો ત્યારે બંને પક્ષ તરફથી કુલ ૩૫ વ્યક્તિ હાજર રહ્યાં હતા. કોર્ટના ચુકાદા પ્રમાણે રાજીવ અને મોનિકાના ૧૭ વર્ષીય દિકરાની કસ્ટડી રાજીવ મોદી પાસે રહેશે. રાજીવ અને મોનિકાએ પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ ફેમિલી કોર્ટના જજે બન્ને લોકોના નામ પૂછીને કહ્યું હતું કે, છૂટાછેડાની અરજી ઉપર ફેરવિચારણા કરવી છે કે કેમ?. જેના જવાબમાં બન્નેએ કોર્ટને કહ્યું હતું કે, ૨૦૧૨થી લગ્ન જીવનના હક્ક ભોગવતા નથી અને અમે બન્ને સંમતિથી અલગ થવા માંગીએ છીએ. આ જવાબ બાદ ફેમિલી કોર્ટે ડિવોર્સની અરજીનો ચુકાદો તા.૩૦ ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો.
આજે કોર્ટે બન્નેના ડિવોર્સ પર મંજૂરીની મહોર મારી હતી. રાજીવ મોદીએ મોનિકાને કાયમી ભરણપોષણ પેટે રૂ.૨૦૦ કરોડ આપવાના અને તેના બદલામાં મોનિકાએ કેડિલા ફાર્મા સહિતની રાજીવ મોદીની તમામ સંપત્તિ પરથી હક્કો જતા કરવાની શરત રાખવામાં આવી હતી. મોનિકા અને રાજીવ મોદી તરફથી તેમના વકીલોની હાજરીમાં આ શરતો નક્કી થઇ હતી. સોલા પોલીમથકમાં નક્કી થયા પ્રમાણે રાજીવ મોદીએ રૂ.૨૦૦ કરોડ આંબાવાડીની બેંક ઓફ બરોડામાં એક એસ્ક્રો એકાઉન્ટ ખોલાવી ભરી દીધા હતા. જયારે મોનિકાએ તેના હક્કો છોડી દેવા માટેના દસ્તાવેજો ઉપર સહીઓ કરી દીધી હતી. આ એસ્ક્રો એકાઉન્ટ અને દસ્તાવેજો બંને પક્ષકારોના વકીલોના એસ્ક્રો એજન્ટ પાસે સંયુક્તપણે રાખવામાં આવ્યું હતું. આમ હવે કોર્ટે છૂટાછેડા પર મહોર મારી દેતા તે ડોક્યુમેન્ટ્સની આપ લે કરવામાં આવશે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન રાજીવ મોદી અને મોનિકાના લગ્ન તા.૧૮-૧-૧૯૯૨ના રોજ લગ્ન થયા હતા. ત્યારબાદ લગ્ન જીવનમાં ખટરાગ થતા ગત ઓગસ્ટ માસમાં ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો. મોનિકા એ મુંબઈ સ્થિત ગરવારે પોલિસ્ટર લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન શશિકાંત ગરવારેની પુત્રી છે. મોનિકાએ ન્યૂયોર્કની વાસ્સર કોલેજમાં અન્ડર ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી, જ્યારે જોસેફ આઈ. લુબિન સ્કૂલ ઓફ બિઝનેસમાં એમબીએ કર્યું છે. જ્યારે મોનિકા ગરવારે પોલિસ્ટર લિમિટેડમાં વાઈસ ચેરમેન અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. તેમજ બીજી ૧૦ કંપનીઓના બોર્ડમાં પણ ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે. તે મુંબઈના હાઈપ્રોફાઈલ સોશિયલ સર્કલમાં પણ ખૂબ જાણીતી છે.
રાજીવ મોદી કેડિલા ફાર્માના સ્થાપક ઈન્દ્રવદન મોદીના દિકરા છે. કેડિલાની છ દાયકા પહેલા સ્થાપના કરવામાં આવી હતી. રાજીવ મોદીએ આઈઆઈટી-બોમ્બેમાં અભ્યાસ કર્યો છે અને ૨૦૧૨માં પિતા ઈન્દ્રવદન મોદીના નિધન બાદ કેડિલા ફાર્માના સી.એમ.ડી. બન્યા હતા. રાજીવ મોદીએ યુનિવર્સિટી ઓફ મિશિગન, અન અર્બોર(અમેરિકાના મિશિગન રાજ્યનું એક શહેર) યુએસમાં બાયોલોજિકલ સાયન્સમાં પી.એચ.ડી. કર્યું હતું. જ્યારે આઈઆઈટી-બોમ્બેમાં કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દેશની ટોચની ફાર્મા કંપનીઓમાંની એક છે. તેનું હેડ ક્વાર્ટર અમદાવાદમાં આવેલું છે. હાલ કંપની વૈશ્વિક સ્તરે ઝડપી ફેલાવો કરવા માટે યુરોપ અને યુએસમાં પ્રવેશી છે, કારણ કે અમદાવાદનો પ્લાન્ટ યુએસએફડીએ (યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એપ્રૂવ્ડ છે. ૩૦ જેટલી નવી પ્રોડક્ટ્સ ડેવલપ કરી રહ્યાં છે, જેમાંથી ૫થી ૧૦ પ્રોડક્ટ્સ ૨૦૧૪ના બીજા ક્વાર્ટરમાં અમેરિકામાં રજૂ કરી હતી. કંપની અમેરિકા માટે કાર્ડિયો, ગેસ્ટ્રો અને એન્ટીઇન્ફેક્શન સેગમેન્ટ પર ફોકસ કરી રહી હતી. કંપની હાલમાં વાર્ષિક ૨,૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે.