PMVVY હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની મર્યાદા બમણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આર્થિક અને સામાજિક સુધારા માટેની સરકારની પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે પ્રધાનમંત્રી વયવંદન યોજના (PMVVY) હેઠળ રોકાણની મર્યાદા વધારીને 7.5 લાખ રૂપિયામાંથી 15 લાખ રૂપિયાની કરવાની સાથે-સાથે તેની નોંધણીની સમય મર્યાદા લંબાવીને 4 મે, 2018 થી 31 માર્ચ, 2020 સુધી કરી દેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષાતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે પ્રધાનમંત્રી વયવંદન યોજના (PMVVY)માં રોકાણની રૂ. 7.5 લાખની પ્રવર્તમાન મર્યાદા વધારીને હવે રૂ. 15 લાખ કરવામાં આવી છે. આમ વરિષ્ઠ નાગરિકોને બહોળી સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને પ્રતિ માસ રૂ. 10,000નું પેન્શન આપવામાં આવશે.

માર્ચ 2018 સુધીમાં 2.23 લાખ વરિષ્ઠ નાગરિકો પ્રધાનમંત્રી વયવંદન યોજના (PMVVY) હેઠળ લાભાન્વિત થયા છે. આ પહેલાની વરિષ્ઠ પેન્શન વીમા યોજના 2014 હેઠળ 3.11 લાખ વરિષ્ઠ નાગરિકોને લાભ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બજારની અનિશ્ચિત પરિસ્થિતિમાં વ્યાજની આવકમાં થતા ઘટાડાને ધ્યાનમાં રાખીને વયોવૃદ્ધ અને 60થી વધુ વય ધરાવતા નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની આ પ્રધાનમંત્રી વયવંદન યોજના (PMVVY) યોજના ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા અમલી બનાવવામાં આવી છે. આ યોજના દસ વર્ષ માટે પ્રતિ વર્ષ 8 ટકાના ખાતરીપૂર્વકના (ગેરેન્ટેડ) વ્યાજદરથી પેન્શન આપે છે. જેમાં વાર્ષિક, માસિક, ત્રિમાસિક, છ માસિક પેન્શન ઉપાડી શકાય તેવા વિકલ્પો પણ આપવામાં આવે છે. વળતરનો તફાવત, દાખલા તરીકે LIC દ્વારા આવતા વળતર અને વાર્ષિક 8 ટકાના વળતર વચ્ચે જે તફાવત રહે છે તે ભારત સરકાર સબસિડી તરીકે ભોગવે છે.

Share This Article