પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) નીતિમાં અનેક સુધારાને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ એફડીઆઇ નીતિને ઉદાર બનાવવાનો છે અને તેને સરળ બનાવવાનો છે, જેથી દેશમાં વ્યાપાર-વાણિજ્યમાં સરળતા ઊભી થાય, જેનાં પરિણામે દેશમાં એફડીઆઇનો પ્રવાહ વધશે, જે રોકાણ, આવક અને રોજગારીની વૃદ્ધિમાં વધારો કરશે.
પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) આર્થિક વૃદ્ધિનું મુખ્ય પરિબળ છે અને દેશનાં આર્થિક વિકાસ માટે દેવા વિનાનાં નાંણાનો સ્ત્રોત છે. સરકારે એફડીઆઇ અંગે રોકાણને અનુકૂળ નીતિ બનાવી છે, જે અંતર્ગત મોટા ભાગનાં ક્ષેત્રો/પ્રવૃત્તિઓમાં સ્વચાલિત રૂટ પર ૧૦૦ ટકા સુધી એફડીઆઇને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા અનેક ક્ષેત્રોમાં સંરક્ષણ, નિર્માણ, વિકાસ, વીમા, પેન્શન, અન્ય નાણાકીય સેવાઓ, સંપત્તિ પૂનર્નિર્માણ કંપનીઓ, પ્રસારણ, નાગરિક ઉડ્ડયન, ફાર્માસ્યુટિકલ્સ, ટ્રેડિંગ વગેરે અનેક ક્ષેત્રોમાં એફડીઆઇ નીતિમાં સુધારા કરવામાં આવ્યાં છે.
સરકારે લીધેલા પગલાંને પરિણામે દેશમાં એફડીઆઇ રોકાણમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન દેશમાં કુલ એફડીઆઈ રોકાણ ૪૫.૧૫ અબજ ડોલર મળ્યું હતું, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ૩૬.૦૫ અબજ ડોલર રોકાણ મળ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં દેશમાં કુલ ૫૫.૪૬ અબજ ડોલરનું એફડીઆઇ મળ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૦.૦૮ અબજ ડોલરનું કુલ એફડીઆઈ મળ્યું છે, જે અત્યાર સુધી કોઈ પણ વર્ષમાં દેશને મળેલું સૌથી વધુ એફડીઆઇ છે.
એવું માનવામાં આવે છે કે, દેશ ઘણું વધારે વિદેશી રોકાણ મેળવવાની સંભવિતતા ધરાવે છે, જેને એફડીઆઇ નીતિ વધુ ઉદાર બનાવીને અને સરળ બનાવીને પ્રાપ્ત કરી શકાશે. તે મુજબ, સરકારે એફડીઆઇ નીતિમાં અનેક સુધારા કરવાનો નિર્ણય લીધો છે.