અમદાવાદ : અમદાવાદમાં 4 ફેબ્રુઆરીએ, માનસી ચાર રસ્તા પાસે, C-TAG નામની કોડિંગ શીખવતી સંસ્થાએ તેમના Foundation Day ની ઉજવણી એક અનોખી રીતે કરી હતી.
C-TAGના સંસ્થાપક પારસભાઈ ગાંધી જણાવે છે કે, આ સંસ્થા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. તેના ભાગ રૂપે, C-TAG “V R 1” નામના વિદ્યાર્થી જૂથનું સંચાલન કરે છે, જે સમાજસેવામાં જોડાય છે. છેલ્લા બે વર્ષથી, આ જૂથ દર મહિને માનવતાના કાર્યો કરી રહ્યું છે. વિદ્યાર્થી પોતે ભોજન બનાવી, મોટા વાસણોમાં ભરી, અંદાજિત 200 અથવા તેથી વધુ વંચિત લોકો અને તેમના બાળકો માટે ભોજન સેવા આપે છે.
સંસ્થાની સહ-સ્થાપિકા પલકબેને કહ્યું, કે તેઓ છેલ્લા 22 વર્ષથી કમ્પ્યુટર શિક્ષણના ક્ષેત્રમાં છે. તેમણે તેમના શિક્ષણ કાર્યની શરૂઆત ઘરેથી કરી હતી. તેમના સાસુ, સ્વ. ઇન્દુબેન ગાંધીના આશીર્વાદ, સહકાર અને પ્રેમથી પલક ગાંધી કમ્પ્યુટર ક્લાસ સફળ રહ્યો. જ્યારે વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવતા, ત્યારે ઇન્દુબેન ખૂબ ખુશ થતા અને પલકબેનને આગળ વધવાની પ્રેરણા આપતા.
વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિબદ્ધતાને બિરદાવવા, PGCC Dayની શરૂઆત કરવામાં આવી. ઇન્દુબાની જન્મતારીખ 4 ફેબ્રુઆરી હોવાથી, તેમની યાદમાં અને તેમનું સન્માન કરવા, 4 ફેબ્રુઆરીને PGCC Day તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ વર્ષે, C-TAG ના વિદ્યાર્થીઓએ Foundation Day માનવતાના કાર્ય દ્વારા ઉજવવાની સલાહ આપી. તેના ભાગરૂપે, SG હાઇવે પરની એક જાણીતી રેસ્ટોરન્ટમાં, આશરે 4 થી 15 વર્ષના વયના વંચિત બાળકો સાથે ઉજવણી કરવામાં આવી.
તેઓએ આગળ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ બાળકો સાથે વિવિધ રમતો રમી, ડાન્સ કર્યો, ઘણું હસ્યા અને સાથે જમ્યા. બાળકો સાથે શિક્ષણના ફાયદા અને તે જીવનમાં લાવતું પરિવર્તન વિશે વાત કરવામાં આવી. સાથે વ્યસનના નુકસાન અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
C-TAGના એક વિદ્યાર્થીએ તેમની અનુભૂતિ શેર કરી કે, આ પ્રસંગે તેમને એ સમજાયું કે તેમના પિતા-માતા એ તેમને ઘણું બધું આપ્યું છે, જેની કદર આવા બાળકોને મળતા થઈ. સાથે, સેવા દ્વારા જે સંતોષ અને આનંદ મળે છે, તે અન્ય કોઈ રીતે શક્ય નથી.
આ પ્રસંગે એક વાલીએ તેમના વિચારો શેર કરતાં કહ્યું કે, આજના યુગમાં પણ C-TAG તેમના વિદ્યાર્થીઓને માનવતાના આવા મૂલ્યવાન પાઠ શીખવે છે, તે ખરેખર પ્રશંસનીય છે. V R 1 ની આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં વધુ આગળ વધે અને વધુ લોકોને મદદ પહોંચી શકે, તેવી આશા છે.