અમદાવાદ : વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ રાજય સરકાર દ્વારા રાજયમાં રાજપીપળા સહિત ત્રણ સ્થળોએ નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરાઇ હતી. ત્યારબાદ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જાડવામાં અને ટુરીઝમને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સી પ્લેન માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
જેમાં વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર ચરણસિંહની મેન્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગના સચિવ એસ.જે.હૈદરના મતે, રાજ્યમાં અન્ય ચાર જગ્યાએ પણ વોટર એરોડ્રામ બનાવવા આયોજન ધરાઇ રહ્યું છે. આ યોજનાથી વિવિધ સ્થળોની કનેક્ટિવિટી અને ટુરિઝમને પ્રોત્સાહન મળશે.ગુજરાતમાં સી પ્લેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. સુરત ખાતે તાજેતરમાં તાપી નદીમાં આ અંગે શક્યતા ચકાસવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો જોઇ રાજપીપળા ખાતે રનવે અને એરપોર્ટ માટે તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે સરદાર સરોવર ડેમમાં સી પ્લેન કનેક્ટિવિટી માટે ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. રાજ્ય સરકાર મુજબ પ્લેન પાણીમાં ઉતરે કે, ટેક ઓફ કરે તે માટે નજીકમાં એરોડ્રામ જરૂરી હોય છે. સરદાર સરોવર પાસે ક્યાં આ સ્થળ યોગ્ય છે, તે અંગે પ્રી -ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી વડોદરા એરપોર્ટ ડાયરેક્ટરે આપવાનો રહેશે.
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગના સચિવના જણાવ્યા મુજબ, રાજ્યમાં ચાર સ્થળ આઇડેન્ટિફાય થયા છે. સાબરમતી નદી, ધરોઇ ડેમ અને શત્રુંજય ડેમ ખાતે ખુલ્લા પાણીમાં વોટર એરોડ્રામ બનાવવા આયોજન છે. જે અંગે અમદાવાદ અને ભાવનગરના એરપોર્ટ ડાયરેક્ટરને મેન્ટોર તરીકે જવાબદારી સોંપાઇ છે. દરમ્યાન એરપોર્ટ ડાયરેકટર ચરણસિંહે આ મામલે જણાવ્યું કે, ચાર દિવસ અગાઉ ઓર્ડર થયો છે. મારે ડેમ સાઇટ ઉપર એરપોર્ટ ક્યાં બની શકે, તે અંગે સ્થળ નક્કી કરવા મદદ કરવાની છે. પાણીમાં પ્લેન ઉતર્યા બાદ કિનારે આવેલો માણસ ક્યાંથી બહાર જઇ શકે તે સુવિધા ઉભી થશે. હજુ એક પણ મીટિંગ મળી નથી. તેથી વધુ ખબર નથી. આમ, હવે કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમમાં ટૂંક સમયમાં જ સી પ્લેન માટે વોટર એરોડ્રામના નિર્માણ માટે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ થાય તેવી શકયતા છે.