બાયજુ’સ હવે ટૂંકમાં ગુજરાતી ભાષામાં તેની એપ લોંચ કરશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ:  ભારતની સૌથી મોટી એજ્યુકેશન કંપની અને દેશની સૌથી લોકપ્રિય અને પર્સનલાઇઝ્ડ સ્કુલ લર્નિગ એપ બાયજુ’સ દ્વારા આજે ગુજરાતમાં ત્રણ સ્ટુડન્ટ કનેક્ટ સેન્ટર્સ લોંચ કરવાની જાહેરાત કરાઇ હતી. અમદાવાદમાં નવરંગપુરા, સુરતમાં મજુરા ગેટ અને રાજકોટમાં ઉદ્યોગનગર ખાતે આવેલા સમર્પિત આ નવા કેન્દ્રોને કારણે કંપનીને રાજ્યમાં તેનાં નેટવર્કના વિસ્તરણમાં મદદ મળશે અને વિદ્યાર્થીઓ ઉપરાંત પેરન્ટ્‌સને બાયજુ’સ ના પર્સનલાઇઝ્ડ લર્નિગ પ્રોગ્રામ્સની અસર અને ફાયદા સમજવામાં ઘણી મદદ મળશે. બાયજુ’સ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧૫ લાખ વિદ્યાર્થીઓ ઉમેરવામાં આવ્યા છે અને તેથી હવે ટૂંક સમયમાં જ બાયજુ’સ ગુજરાતી ભાષામાં પણ તેની લર્નિગ એપ લોન્ચ કરશે એમ અત્રે બાયજુ’સના ચીફ ઓપરેટિંગ ઓફિસર મૃણાલ મોહીતે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરનાં મહિનાઓમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોની સરખામણીમાં નવસારી, જુનાગઢ,જામનગર, મોરબી, મહેસાણા જેવાં નાના જિલ્લાઓમાં  બાયજુ’સની સ્કૂલ લર્નિગ એપનો એડોપ્શન રેટ ઊંચો રહ્યો છે. ભારતનાં સૌથી મોટા ઇન્ટીગ્રેટેડ સ્કુલ ક્વિઝ શો-ડિસ્કવરી સ્કુલ સુપર લીગ પાવર્ડ બાય બાયજુ’સમાં સૌથી વધુ ગુજરાતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રાજ્યની ૫૨૬ શાળાઓનાં ૨.૨૫ લાખ વિદ્યાર્થીઓની હાજરી એ ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં અપેક્ષા અને મહત્વાકાંક્ષાનું ઊંચું પ્રમાણ દર્શાવે છે. ગુજરાતમાં ત્રણ નવા સ્ટુડન્ટ કનેકટ સેન્ટર્સ લોન્ચ થતાં બાયજુ’સના નિષ્ણાંતોની ટીમ કોઇ પણ વિદ્યાર્થીઓનાં ઘરે તેની વિનંતીથી તેમની લર્નિગ એપનું ડેમોન્સ્ટ્રેશન કરશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બાયજુ’સના નિષ્ણાંતો સાથે સેશન નક્કી કરવા ૦૯૨૪૩૫૦૦૪૫૭ પર કોલ કરી શકે છે.

બાયજુ’સના ચીફ ઓપરેટિંગ ઓફિસર મૃણાલ મોહીતે વધુમાં ઉમેર્યું હતું કે, ૨૦૧૫માં લોંચ કરવામાં આવેલી બાયજુ’સ એપ ભારતમાં શાળાના વિદ્યાર્થીઓ માટે પર્સનલાઇઝ્ડ લર્નિગ પ્રોગ્રામ્સ ઓફર કરવામાં અગ્રેસર છે. અને તે વિશ્વની સૌથી વધુ મુલ્યવાન એડ-ટેક કંપની છે. બાયજુ’સ એપ દ્વારા ત્રણ કરોડ વિદ્યાર્થીઓ ભણ્યા છે અને તેનાં ૨૦ લાખ વાર્ષિક પેઇડ સબસ્ક્રિપ્શન છે. આમ બાયજુ’સ એ અસાધારણ વૃધ્ધિ નોંધાવી છે. આ લર્નિગ એપમાં વિદ્યાર્થોઓ દ્વારા દૈનિક સરેરાશ ૬૪ મિનિટનું એંગેજમેન્ટ છે. કંપની છેલ્લાં ત્રણ વર્ષથી ૧૦૦ ટકાનાં દરે વૃધ્ધિ કરી રહી છે અને આ વર્ષે તેની આવક ત્રણ ગણ કરીને રૂ. ૧૪૦૦ કરોડ કરવાનો લક્ષ્ય ધરાવે છે. બાયજુ’સ ધોરણ ચારથી ધોરણ ૧૨ સુધીના વર્ગમાં લર્નિગ પ્રોડક્ટ્‌સની સાથે સાથે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેના કોર્સ પણ પૂરા પાડે છે. આ એપ ધોરણ ચારથી ૧૨ના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાનમાં કોર્સ ઓફર કરે છે. હાલમાં બાયજુ’સ એપ અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે અને તેનું ગુજરાતી વર્ઝન તૈયાર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ ગુજરાતી ભાષામાં બાયજુ’સ એપ લોન્ચ કરાશે.

Share This Article