અમદાવાદ : ભારતમાં અગ્રણી પ્રાયોગિક ઇકોલોજીકલ હોસ્પિટાલિટી ગ્રૂપ પૈકીના એક જંગલ કેમ્પ્સ ઇન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2028 સુધીમાં રૂ. 100 કરોડની આવકનું સીમાચિહ્ન હાંસલ કરવાની મહાત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં મુખ્યાલય ધરાવતી કંપનીએ તેની વૃદ્ધિની રણનીતિને અનુરૂપ વિસ્તરણ યોજના માટે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેને ખંભાતા સિક્યુરિટીઝ લિમિટેડ દ્વારા મેનેજ કરવામાં આવશે.
મધ્ય ભારતના શાંત અને ઊંડા જંગલોમાં મિલકતો ધરાવતા જંગલ કેમ્પ્સ ઇન્ડિયા મધ્ય પ્રદેશમાં પેંચ ટાઈગર રિઝર્વ, કાન્હા ટાઈગર રિઝર્વ અને રુખાદ બફર ઝોન તેમજ મહારાષ્ટ્રમાં તાડોબા ટાઇગર રિઝર્વ સહિતની વિવિધ પ્રોપર્ટીઝ ખાતે પ્રવાસીઓને વાઇલ્ડલાઇફ હોસ્પિટાલિટીનો બેજોડ અનુભવ પ્રદાન કરે છે. જંગલ કેમ્પ્સ ઇન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2024માં રૂ. 18.10 કરોડની કુલ આવક તથા રૂ. 3.59 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જેની સામે નાણાકીય વર્ષ 2023માં કુલ આવક રૂ. 11.24 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 45 લાખ હતો, જે આવકમાં 61.03 ટકા અને નફામાં આઠ ગણો ઉછાળો દર્શાવે છે.
જંગલ કેમ્પ્સ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન ગજેન્દ્ર સિંઘ રાઠોડે વિસ્તરણ યોજનાઓ વિશે જણાવ્યુ હતું કે, વાઇલ્ડલાઇફ હોસ્પિટાલિટી માટે વધતાં ઉત્સાહ, મધ્ય ભારતમાં અમારી સુવિધાઓથી અમે પર્યાવરણ પ્રત્યે જાગૃત અને ઉત્સાહી પ્રવાસીઓને મોટી સંખ્યામાં આકર્ષી રહ્યાં છીએ. વિશિષ્ટ અનુભવ સાથે ગ્રાહકોની બદલાતી પસંદગીઓને જોતાં અમે વિસ્તરણ યોજનાની જાહેરાત કરીએ છીએ, જેથી અમારા પોર્ટફોલિયોમાં વધુ રિસોર્ટ અને હોટેલનો ઉમેરો કરી શકાય. અમે આઇપીઓ દ્વારા તકોને ફંડ કરવાની વિચારણા કરી રહ્યાં છીએ, જેથી અમારી ઉપસ્થિતિ વધારી શકાય અને અમારા મહેમાનોને બેજોડ વિકલ્પો ઓફર કરી શકાય.
વર્ષ 2002માં સ્થાપિત જંગલ કેમ્પ્સ ઈન્ડિયા લિમિટેડની કલ્પના ગજેન્દ્ર સિંઘ રાઠોડે કરી હતી. ભારતમાં બેજોડ હોસ્પિટાલિટી અને સફારીનો અનુભવ પ્રદાન કરવાની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દ્વારા કંપનીની વૃદ્ધિની યાત્રા પ્રેરિત છે. જંગલ કેમ્પ્સ ઈન્ડિયા, ભારતીય ઉપખંડના વન્યજીવન અને આતિથ્ય માટે શ્રેષ્ઠ અનુભવી રોકાણની ઓફર કરવાના ઉદ્દેશ્ય સાથે, દૂરના સ્થળોએ રિસોર્ટ ચલાવવામાં નિષ્ણાત છે.