ગેરકાયદે પાર્ક વાહનો ઉઠાવવા વધુ ૮૦ ટોઇંગવાન ખરીદાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શહેરમાં ગેરકાયદે પાર્ક થતાં વાહનોને ડિટેઇન કરવા માટે સ્થાનિક પોલીસને ટ્રાફિક પોલીસ કે પછી કોન્ટ્રાકટની ટોઇંગવાનની મદદ નહીં લેવી પડે, કારણ કે હવે આવનારા દિવસોમાં પોલીસ પાસે પોતાની ટોઇંગવાન હશે, જે ગણતરીના સમયમાં ગેરકાયદે પાર્ક થયેલું વાહન ડિટેઇન કરશે. ટ્રાફિક પોલીસે ૮૦ ટોઇંગવાન ખરીદવા માટેનો પ્રસ્તાવ પોલીસ કમિશનર એ.કે. સિંઘને કર્યો છે. શહેરનાં પ૧ પોલીસ સ્ટેશન અને ૧૪ એસીપી કચેરીમાં ટોઇંગવાન આવશે.

આગામી દિવસોમાં નવી ૮૦ ટોઇંગવાનની ખરીદી થયા બાદ શહેરમાં ગેરકાયદે પાર્ક થયેલા વાહનો ઉઠાવવાની કામગીરી વધુ સરળ બની રહેશે. મેગા સિટી અમદાવાદમાં ટ્રાફિકની વિકટ સમસ્યાને લઇ હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકારનો ઊધડો લીધા બાદ ગેરકાયદે પાર્કિગ કરતા વાહનચાલકો વિરુદ્ધમાં પોલીસે લાલ આંખ કરીને વાહનો ડિટેઇન કરવાની ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ કમિશનર એ.કે. સિંઘના નેજા હેઠળ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદે પાર્ક કરાયેલાં હજારો વાહનો પોલીસે ડિટેઇન કર્યાં છે અને વાહનચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસે હજારો વાહનો માત્ર ર૦ ટોઇંગવાનની મદદથી ડિટેઇન કર્યાં છે. ટ્રાફિક પોલીસ પાસે પોતાની ૧૦ ટોઇંગવાન છે જ્યારે બીજી ૧૦ કોન્ટ્રાક્ટ પર ટોઇંગવાન ચાલે છે. હાલ ટ્રાફિક પોલીસ વિભાગે ૮૦ ટોઇંગવાન ખરીદવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. શહેરના પૂર્વ અને પશ્વિમમાં કુલ પ૧ પોલીસ સ્ટેશન આવેલાં છે અને બે મહિલા પોલીસ સ્ટેશન આવેલાં છે જ્યારે ૭ ડીસીપી, બે જોઇન્ટ કમિશનર અને ૧૪ એસીપીની કચેરીઓ પણ આવેલી છે.

સામાન્ય રીતે કોઇ પણ જગ્યાએ ગેરકાયદે વાહન પાર્કિગ કર્યું હોય ત્યારે ટ્રાફિક પોલીસ અને કોન્ટ્રાક્ટ ધરાવતા લોકો વાહનો ટોઇંગ કરતા હતા. જ્યારે સ્થાનિક પોલીસને  પણ વાહન ટોઇંગ કરવું હોય તો ટ્રાફિક પોલીસ અને કોન્ટ્રાક્ટ ધરાવતા લોકોની ટોઇંગવાન મંગાવતા હતા. આ મામલે ટ્રાફિક ડીસીપી સંજય ખરાટે જણાવ્યું હતું કે ૮૦ ટોઇંગવાન મંગાવવા માટે પોલીસ કમિશનરને દરખાસ્ત મોકલી છે. શહેરનાં તમામ પોલીસ સ્ટેશન અને એસીપી કચેરીમાં ટોઇંગવાન આપવામાં આવશે, જેના કારણે ગેરકાયદે પાર્ક થયેલાં વાહનો જલદીથી ટોઇંગ થઇ શકે. નવી ૮૦ ટોઇંગવાન આવવાથી શહેરમાં ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિગ ની સમસ્યા હલ કરવામાં ઘણી મદદ મળી રહેશે.

Share This Article