કુલ્લુ : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ગઇકાલે ભીષણ બસ દુર્ઘટના થયા બાદ આજે બીજા દિવસે પણ બચાવ અને રાહત કામગીરી જારી રહી છે. હજુ સુધી ૪૪ લોકોના મૃતદેહો મળી આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે આ સમગ્ર મામલામાં તપાસનો આદેશ આપ્યો છે. બસમાં ક્ષમતા કરતા વધારે લોકો બેસાડી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ ઘાયલ થયેલા લોકોને અને મૃતકોના પરિવારના સભ્યોને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.મળેલી માહિતી મુજબ આ બસ બંજરથી ગડાગુશૈણી તરફ જઇ રહી હતી ત્યારે આ બસ ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી.
બસ ખીણમાં ખાબકી ગયા બાદ બસના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાસ્થળે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પોલીસ ટુકડી પણ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક ધોરણે નજીકની હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંજર સબ ડિવિઝનમાં ગઇકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત કામગીરી માટે બહાર આવ્યા હતા અને મદદ લેવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોને બસમાંથી મુશ્કેલથી બહાર કાઢવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ અને લોકલ વાહનોની મદદથી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ્લુના પોલીસ અધિકારીના કહેવા મુજબ બચાવી લેવામાં આવેલામાં ૧૨ મહિલાઓ, ૧૦ બાળકો અને ૧૦ પુરુષો રહેલા છે. જ્યારે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
એચપી ૬૬-૭૦૬૫ નંબરની રજિસ્ટ્રેશનવાળી આ બસ કુલ્લુ રુટ ઉપર ચાલે છે. એ વખતે યાત્રીઓથી ભરચક હતી. બંજર બસ સ્ટેન્ડથી રવાના થયા બાદ આ બસ બે કિલોમીટરના અંતર સુધી જ ચાલી હતી ત્યારે જ ઉંડી ખીણમાં આ બસ ખાબકી ગઈ હતી. વળાંક લેવાના પ્રયાસમાં બસના ડ્રાઇવરે કાબુ ગુમાવતા આ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.