નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરનાર આદિલ અહેમદ ડાર અલ કાયદા છોડીને જેશમાં સામેલ થયો હતો. હાલમાં ચાલી રહેલી તપાસમાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આદિલ અંગે માહિતી મળી છે કે તે તરત જ જેશમાં જોડાયો ન હતો. જ્યારે તે આ ત્રાસવાદી સંગઠનમાં સામેલ થયો તે પહેલા જ તે કટ્ટરપંથી બની ગયો હતો. તે પહેલા અલકાયદા સાથે જોડાયેલો હતો.જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાને અંજામ આપનાર જૈશે મોહમ્મદના આત્ઘાતી બોંબર આદિલ અહેમદ દારને છેલ્લા બે વર્ષમાં છ વખત પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ દરેક વખતે આદિલ અહેમદને કોઇપણ પુરાવા વગર છેડી મુકવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર ૨૦૧૬થી લઇને માર્ચ ૨૦૧૮ વચ્ચેના ગાળામાં છ વખત પથ્થરબાજી અને આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબાની મદદના આરોપમાં તેને પકડી પાડવામાં આવ્યો હતો પરંતુ તેને છોડી મુકવામાં આવ્યો હતો. તેના આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનોના મોત થયા છે. આદિલે ૧૫૦ કિલો વિસ્ફોટક સાથે પોતાની કારને જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે ઉપર સીઆરપીએફની બસ સાથે ટકરાવી દીધી હતી જેમાં ૪૦ જવાનો શહીદ થયા હતા.
આદિલે વર્ષ ૨૦૧૬માં એક ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામગીરી શરૂ કરી હતી. આદિલ લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓને છુપાવવાનું કામ કરતો હતો. આ ઉપરાંત તે લશ્કરી કમાન્ડરો અને તેમની સાથે જોડાવવાની ઇચ્છા રાખનાર સ્થાનિક લોકોની વચ્ચે મધ્યસ્થી માટેનું કામ કરતો હતો.