અમદાવાદ : બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે પરંતુ આને લઈને અનેક પ્રકારની અડચણો આવી રહી છે. મામલો કોર્ટમાં પણ પહોંચી ચુક્યો છે. હવે ગુજરાત હાઈકોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણના સંદર્ભમાં ખેડુતો દ્વારા રજુ કરવામાં આવેલા વાંધાઓ બાદ અરજીઓ પર કાર્યવાહી પૂર્ણ કરી લીધી છે. ૨૪મી જાન્યુઆરીના દિવસે અંતિમ ચુકાદો આપવામાં આવનાર છે. બુલેટ ટ્રેન કેસના સંદર્ભમાં ૨૪મી જાન્યુઆરીના દિવસે જાહેર કરવામાં આવનાર ચુકાદા પર તમામ લોકોની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. આ મામલામાં શુક્રવારના દિવસે ખેડુતો અને રાજ્ય સરકાર દ્વારા પોત પોતાની રીતે રજુઆત કરવામાં આવી હતી.
શુક્રવારના દિવસે ગામોમાં જમીન પાર્સલ હાંસલ કરવાના સંદર્ભમાં નક્કી કરવામાં આવેલા રેટને દર્શાવતા ચાર્ટ પણ દર્શાવવામાં આવ્યા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે જગ્યાઓએ જમીન અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી છે તે વિસ્તારમાં જમીનની કિંમતોને લઈને રજુઆત કરવામાં આવી ચુકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને તર્કદાર દલીલો કરવામાં આવી રહી છે. એક બાજુ ખેડુતોની રજુઆત છે કે સરકારે જંત્રી રેટના સંદર્ભમાં સ્પષ્ટ વાત કરી નથી.
જમીન અધિગ્રહણના સંદર્ભમાં જંત્રી રેટ ૧૦ ગણા ચુકવવામાં આવ્યા છે. સરકારે એવી રજુઆત કરી છે કે જમીન માલિકોને ખુબ સારૂ વળતર આપવામાં આવી રહ્યું છે. વધુમાં આ વળતર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે કેન્દ્રની ૨૦૧૩ની જમીન અધિગ્રહણ કાયદામાં ગુજરાત સરકારના સુધારાની કાયદેસરતાને પણ પડકાર ફેંકીને રજુઆત કરવામાં આવી ચુકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલમાં જમીન અધિગ્રહણના લીધે અટવાયો છે.