અમદાવાદ: નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશનની યોજના અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન અમદાવાદનું સાબરમતી રેલવે સ્ટેશન છે. એ વાત નવી નથી, પરંતુ આ સ્ટેશનને મોડલ ટર્મિનલ બનાવવા માટે ૧૬ કંપનીઓએ રસ દાખવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટમાં જશ ખાટવા હવે ૧૬ કંપનીઓ વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે, આગામી દિવસોમાં આ મામલે નિર્ણય લેવાઇ જશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, સાબરમતી રેલવે ટર્મિનલ અમદાવાદથી મુંબઈની બુલેટ યાત્રાનું સર્વપ્રથમ સ્ટેશન છે, જે મહાત્મા ગાંધીની ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી માર્ચ આધારિત થીમ પર બનશે. સ્ટેશનનું કામ આગામી નવેમ્બર માસમાં શરૂ થઈ જશે. ગઈકાલે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરીની સમીક્ષા માટે દિલ્હીથી અધિકારીઓની એક ટીમ અમદાવાદ આવી હતી,
જેમાં અનેક પાસાંઓના અભ્યાસ ઉપરાંત દેશની પહેલી બુલેટ ટ્રેન અંગેનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયું હતું. બુલેટ ટ્રેનના માર્ગમાં આવતાં તમામ ઝાડ કાપવાના બદલે રિપ્લાન્ટ કરાશે અને ખેડૂત વળતર માગશે ત્યારે વળતર અને જ્યાં જગ્યા અપાશે ત્યાં ફરી ઝાડ પણ લગાવી આપવામાં આવશે. બુલેટ ટ્રેન અમદાવાદથી ઉપડ્યા બાદ આણંદ સ્ટેશનથી ૧૦ કિ.મી. દૂરથી નીકળશે. ટ્રેન સુરત પણ સ્ટેશન પાસે નહીં જાય. કિમ પાસેથી દિશા બદલી પૂર્વમાં જશે અને બીલીમોરામાં કોસાલી ખાતે તેનું સ્ટેશન બનશે. દસ કોચની બુલેટ ટ્રેન ૧૮ કલાક ચાલશે અને ૩૫ ફેરા અપ અને ૩૫ ફેરા ડાઉનમાં કરશે,
જેમાં ૭૦૦ માણસોની ક્ષમતા હશે. બુલેટ ટ્રેન અર્થક્વેક પ્રૂફ હશે, જેમાં પહેલાં આંચકા કે ધ્રુજારી થતાં ટ્રેનની વીજલાઈનને સિગ્નલ મળશે અને ત્યારબાદ લાઈન ટ્રિપ થશે. ટ્રેન ત્યાં જ ઊભી રહી જશે. કુલ ૧૨ સ્ટોપ મુંબઈ જતાં સુધીમાં કરશે. બુલેટ ટ્રેનનાં તમામ રેલવે સ્ટેશનની ડિઝાઈન ફાઇનલ થઈ ચૂકી છે. સેન એનએચઆરસીએલના પીઆરઓ ધનંજયકુમારે ગઈકાલે અમદાવાદ-વડોદરાનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદના વિસ્તારો એટલે કે રહેણાક વિસ્તારોમાં સાઉન્ડ બે રિયર્સ લાગશે, જ્યાંથી ટ્રેન પસાર થવાની હશે તેવા તમામ લોકેશન અને સ્ટેશનો પર બહુ ગંભીરતાપૂર્વક અને સલામતી સહિતના સઘળા પાસાઓને ધ્યાનમાં લઇ કામ હાથ ધરાયું છે.