બુલન્દશહેર : ઉત્તરપ્રદેશના બુલન્દશહેર હિંસાના મામલામાં પોલીસે આખરે કઠોર વલણ અપનાવીને હવે ફરાર થયેલા તમામ ૧૮ આરોપીઓના ફોટા જારી કરી દીધા છે. સાથે સાથે તેમની સંપત્તિને જપ્ત કરવાની દિશામાં પણ પહેલ કરવામાં આવી છે. આ પહેલા પોલીસે તમામ આરોપીઓની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. પોલીસ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે કે ઘટનાના મુખ્ય સુત્રધાર યોગેશ રાજ અને ભાજપ યુવા મોરચાના નગર પ્રમુખ સહિત ૭૬ આરોપીઓની સામે વોરંટ જારી કરવામાં આવી ચુક્યા છે. પોલીસે હિંસામાં સામેલ રહેલા અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે.
કોતવાલી પોલીસે હજુ સુધી ૧૧ આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે. પકડી પાડવામાં આવેલા અન્ય આરોપીઓમાં મોહિત અને નિતિન છે. કોર્ટે પહેલા ભીડ હિંસાના મામલામાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહની હત્યાના મામલામાં આરોપી જીતુ ફોજીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આરોપી જીતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજીએ પોતાને નિર્દોષ જાહેર કરીને કહ્યુ છે કે તેને ફસાવી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જીતુ ફોજીને જમ્મુ કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે આર્મીજવાન છે. તેને પકડી પાડવા માટે પોલીસની ટીમ જમ્મુ કાશ્મી પહોંચી હતી.
બુલન્દશહેરમાં એક ખેતરમાં ગૌવંશના અવશેષ મળી આવ્યા બાદ હિંસાની શરૂઆત થઇ ગઇ હતી. વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદ ભીડની હિંસાને કાબુમાં લેવા માટે પહોંચેલા પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહની હત્યા કરી દેવામાં આવી હતી.