ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં ગૌહત્યાના બનાવ બાદ ભડકી ઉઠેલી હિંસાના મામલે તપાસ ચાલી રહી છે. હિંસાના મામલામાં નોંધવામાં આવેલી એફઆઇઆરમાં આરોપી નંબર ૧૧ તરીકે દર્શાવવામાં આવેલા એક શખ્સનુ નામ સપાટી પર આવતા ખળળભાટ મચી ગયો છે. આ શખ્સનુ નામ સપાટી પર આવતા હવે હિંસાના મામલામાં નવો વળાંક આવ્યો છે. આરોપીની ઓળખ જીતેન્દ્ર સિંહ ઉર્ફે જીતુ ફૌજી તરીકે થઇ છે. તે ભારતીય સેનામાં જવાન છે અને કાશ્મીરમાં ફરજ બજાવી રહ્ય છે. તે શોધી કાઢવા માટે પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીરમાં મોકલી દેવામાં આવી છે. ઘટનાના દિવસથી તે ફરાર થયેલ છે. ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં સોમવારના દિવસે ગૌહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસા બાદ હજુ સ્થિતી વિસ્ફોટક રહી છે. પોલીસ દ્વારા વ્યાપક દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે. પોલીસે તપાસને વધારે ઝડપી બનાવીને હજુ સુધી કેટલાક લોકોની ધરપકડ કરી છે. બીજી બાજુ હિંસાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ૮૭ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. જુદી જુદી ટીમો સક્રિય થઇ છે. પોલીસે આજે કહ્યું હતું કે, છ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે તપાસ કરી રહી છે.
આ મામલામાં મુખ્ય આરોપી તથા બજરંગ દળના જિલ્લાસંયોજક યોગેશ રાજને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. યોગેશ રાજ મુખ્યઆરોપી છે તેના ઉપર એફઆઈઆરમાં હિંસા ભડકાવવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. ઘટનાનાગાળા દરમિયાન સુબોદકુમાર સિંહે તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે માન્યો ન હતો. આરોપીએ હિંસા ભડકાવી હતી. યોગેશ રાજને હજુ પકડી પાડવામાં આવ્યો નથી. યોગેશરાજ પહેલા પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ૨૦૦૬માં યોગેશ બજરંગ દળમાં જિલ્લા સંયોજકબન્યો હતો. વહીવટીતંત્ર દ્વારા જુદી જુદી ટીમો રોકીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ૨૭ લોકોના નામનો ઉલ્લેખ છે જ્યારે અન્ય ૬૦ લોકો વણઓળખાયેલા લોકો પણ રહેલા છે. આ હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહ શહીદ થયા હતા.