બુલન્દશહેરમાં હજુ સ્ફોટક સ્થિતી : બેની ધરપકડ થઇ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં સોમવારના દિવસે ગૌહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસાના એક દિવસ બાદ આજે પણ સ્થિતી વિસ્ફોટક રહી હતી. બીજી બાજુ પોલીસ દ્વારા વ્યાપક દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે. પોલીસે તપાસને વધારે ઝડપી બનાવીને હજુ સુધી બે લોકોની ધરપકડ કરી છે. બીજી બાજુ હિંસાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ૨૭ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. આ હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહ શહીદ થયા હતા. વહીવટીતંત્ર દ્વારા હિંસામાં તપાસ કરવા માટે ખાસ તપાસ ટીમની રચના કરી છે.ગઇકાલે બુલન્દશહેરના સ્યાના ગામમાં હિંસા ભડકી ઉઠી હતી.

સ્થાનિક દેખાવકારોની સાથે સાથે જમણેરી પાંખના લોકોએ ગૌહત્યા સામે હિંસા ફેલાવીને વ્યાપક તોડફોડ કરી હતી. બુલંદશહેર શહેરમાં પાટનગરથી ૧૫૦ કિલોમીટરના અંતરે ચિંગરાવતી પોલીસ આઉટ પોસ્ટ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ચોકી પર વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ હતી. હિંસા બાદ  અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા મોડેથી ગોઠવી દેવામાં આવી હતી. સ્યાના એક ગામના ખેતમાં ગૌવંશ મળી આવ્યા બાદ લોકોએ હિંસા ફેલાવી હતી. પોલીસ અને ભીડ આમને સામને આવી ગઈ હતી. પોલીસે ગૌહત્યાની આશંકામાં દેખાવ કરી રહેલા હજારો લોકોની ભીડને અલગ કરવા માટે ગોળીબાર કર્યો હતો.

ગેરકાયદે કતલખાનાની સામે દેખાવ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે અથડામણનો દોર શરૂ થયો હતો. કાયદો અને વ્યવસ્થા સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે કેટલાક લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ગાળા દરમિયાન ગામવાળાઓ સાથે સંઘર્ષમાં ઈન્સ્પેક્ટરનું મોત થયું હતું. ટોળામાંથી કોઈ વ્યÂક્તએ ગોળીબાર પણ કર્યો હતો. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહને ઈજા થઈ હતી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. સ્થળ ઉપર મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. હિંસા કેમ થઇ અને સુબોધ કુમારને એકલા છોડીને બીજા કેમ ભાગી ગયા તેમાં પણ તપાસ કરવામાં આવનાર છે. સ્યાના હિંસામાં શહીદ થયેલા સુબોધના પરિવારના સભ્યો આઘાતમાં છે. તેમના મૃતદેહને તેમના વતન ખાતે લઇ જવામાં આવ્યા છે. બીજી બાજુ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હિંસા મામલે દુખની લાગણી વ્યક્ત કરી છે. સાથે સાથે સુબોધ કુમારના પત્નિને ૪૦ લાખ અને તેમના માતાપિતાને ૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાયતાની પણ જાહેરાત કરી છે. પરિવારના એક સભ્યને નોકરી આપવાની જાહેરાત પણ કરી છે.

 

Share This Article