ગ્રેટર નોઇડા ઃ નિર્માણ હેઠળ રહેલી બે ઇમારતો ધરાશાયી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નોઇડાઃ ગ્રેટર નોઇડા વેસ્ટના શાહબેરી વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક ચાર માળની અને બીજી છ માળની ઇમારત ધરાશાયી થવાના કારણે ત્રણ લોકોના મોત થઇ ગયા છે. કાટમાળ હેઠળ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. બચાવ અને રાહત કામગીરી હાલમાં ચાલી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. મોતનો આંકડો વધી શકે છે.

ઘટનાસ્થળ પર રહેનાર લોકોએ કહ્યુ છે કે નિર્માણ હેઠળની ઇમારતમાં ૧૫  મજુરોના પરિવારના સભ્યો ફસાયા હોવાના હેવાલ મળ્યા હતા. બીજી ઇમારતમાં છ પરિવારના શિફ્ટ કરવામાં આવ્યા હતા. શાહબેરીમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ લોકોના ટોળા પહોંચીગયા હતા. લોકોને રોકવા માટે બેરિકેટ લગાવી દેવાની ફરજ પડી છે. શાહબેરી મામલેમાં હજુ સુધી ધરપકડ કરવામાં આવેલા ત્રણ લોકો પૈકી એક બિલ્ડર અને બે સાથી છે.

અધિકારીઓએ કહ્યુ હતુ કે અહીં પરવાનગી સાથે અઢી ફ્લોર બનાવી શકાય છે, પરંતુ પરવાનગી વગર છ માળની ઇમારત બનાવવામાં આવી રહી હતી. કાટમાળ હેઠળથી બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ સતત લાગેલી છે. એનડીઆરએફની ટીમને ડોગ સ્કોવોડ દ્વારા પણ સહાય કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે રહેનાર કેટલાક લોકોએ કહ્યુ છે કે મોતનો આંકડો વધી શકે છે. કારણ કે બચાવ ટીમ સતત સક્રિય હોવા છતાં આમાં સમય લાગી રહ્યો છે. બચાવ કામગીરીમાં અડચણ ન બને તે માટે સ્થાનિક લોકોને રોકવા માટે બેરિકેટ લગાવી દેવાં આવ્યા  છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા ત્રણ મૃતદેહ બહાર કાઢવામાં આવી ચુક્યા છે. બેની ઓળખ કરી લેવામાં આવી છે. કાટમાળમાં શોધખોળ ચાલી રહી છે. ગઇકાલે મોડી રાત્રે ૮.૪૫ વાગે આ બનાવ બન્યો હતો. બનાવ વખતે ૧૨ મજુરો ઇમારતમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એનડીઆરએફની ટીમો, ડિસ્ટ્રીક્ટ પોલીસ અને ફાયરની ટુકડી કામગીરીમાં લાગેલી છે. ૧૮ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. મેજિસ્ટ્રેરિયલ તપાસનો આદેશ કરવામાં આવી ચુક્યો છે. જમીન માલિક સહિત આ કેસના સંદર્ભમાં ત્રણ લોકોની ધરપકડ થઇ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બચાવ કામગીરીના સંદર્ભમાં માહિતી મેળવી છે. ઇમારતના અધિકાર ક્ષેત્ર, એનઓસી અને શ્રમ કાયદામાં અધિકાર ક્ષેત્ર જેવા મુદ્દામાં તપાસ કરવામાં આવશે. ગ્રેટર નોઇડા ઓથોરિટીના અધિકાર ક્ષેત્ર હેઠળ બંને ઇમારતો હતી કે કેમ તેમાં તપાસ કરવામાં આવી રહી છે.

Photo Courtesy: The Hindu
Share This Article