નવી દિલ્હી : હાલમાં રજૂ કરવામાં આવેલા વચગાળાના કેન્દ્રિય બજેટમાં કેટલીક નવી જાહેરાત કરવામાં આવ્યા બાદ સબસિડી બોજ ૧૨ ટકા સુધી વધી જવાની શક્યતા છે. સબસિડી બોજ વધી ગયા બાદ તે વધીને હવે ૩.૩૪ લાખ કરોડ સુધી પહોંચી જશે. બજેટ સબસિડી જાગવાઇની તુલનામાં ચાલુ નાણાંકીય વર્ષ માટે કુલ સુધારા સબસિડીમાં ૩૭૧૩.૭ કરોડની વૃદ્ધિનો અંદાજ છે. જાણકાર નિષ્ણાંતો કહી રહ્યા છે કે ફ્યુઅલ સબસિડી માટે સુધારવામાં આવેલા અંદાજમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા છે. રૂપિયામાં ડલરની સામે ઘટાડો થતા તેની પણ અસર જાવા મળી રહી છે. સાથે સાથે ક્રુડની કિમતમાં ફેરફારના કારણે પણ જટિલ સ્થિતી સર્જાઇ રહી છે.
જાણકાર લોકો માની રહ્યા છે કે સરકાર દ્વારા ગયા શુક્રવારના દિવસે રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં અનેક મોટી જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં તમામ વર્ગના લોકોને પ્રભાવિત કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. પહેલાના કોઇ પણ વચગાળાના બજેટમાં પિયુષ ગોયલના બજેટની જેમ ૭૫ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ન હતી. જે રીતે આ વખતે યોજના જાહેર કરવામાં આવી છે તેવી પહેલા ક્યારેય કરવામાં આવી ન હતી. આ વખતે વડાપ્રધાન કિસાન સન્માન નિધી (પીએમ કિસાન) યોજનાના સ્વરૂપમાં મોટી જાહેરાત કરવામાં આવી છે.
જે હેઠળ બે હેક્ટરથી ઓછી જમીન ધરાવનાર ખેડુતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવનાર છે. દેશમાં આશરે ૮૬ ટકા ખેડુત અથવા તો ૧૨.૨ કરોડ ખેડુત એવા છે જે બે હેક્ટર અથવા તો પાંચ એકરથી ઓછી જમીન ધરાવે છે. બજેટમાં દર્શાવવામાં આવેલી સંખ્યા પણ તેની આસપાસની છે. ગોયલે કહ્યુ હતુ કે આ યોજનાથી ૧૨ કરોડ ખેડુત પરિવારને સીધો ફાયદ થનાર છે. જે પૈકી એક તૃતિયાશ તો ઉત્તર પ્રદેશ અને બિહારના છે.