નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ અંગે પ્રતિક્રિયા કરતા કહ્યું હતું કે, આ બજેટ ભારતને પાવર હાઉસ બનાવનાર બજેટ છે. ૨૧મી સદીના સપનાને પરિપૂર્ણ કરશે. તેમણે ઉમેર્યું હતું કે, બજેટમાં સ્પેશ રિસર્ચથી લઇને વૈજ્ઞાનિક સંશોધન, સામાન્ય નાગરિકો માટે સુધારાનો ઉલ્લેખ છે. ખેડૂતો, ગ્રામિણો, યુવા વર્ગ, મહિલાઓ, મધ્યમ વર્ગ તમામને આવરી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. મોદીએ કહ્યું હતું કે, મહિલા નાણામંત્રી અને તેમની ટીમે વિકાસની ગતિને તીવ્ર કરે તેવું બજેટ રજૂ કર્યું છે.
આત્મવિશ્વાસ અને આશાને દિશા આપનાર બજેટ છે. બજેટ પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બજેટમાં સામાન્ય નાગરિકો માટે ઈઝ ઓફ લિવિંગ પણ છે. આ એક ગ્રીન બજેટ છે. તેમાં સોલર સેક્ટર, પર્યાવરણ સંરક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષોમાં દેશ આત્મવિશ્વાસથી ભરાયો છે. અનેક મુશ્કેલીઓથી સામાન્ય માનવીઓના જીવન સરળ બન્યા છે. મોદીએ કહ્યું- જનશક્તિ વગર જળ સંચય સંભવ નથી. જળસંચય જન ભાવનાઓથી જ થઈ શકશે. સ્વચ્છ ભારત મિશનની જેમ દરેક ઘર જળનું અભિયાન દેશને જળસંકટમાંથી બહાર લાવવામાં સક્ષમ બનાવશે. આ બજેટ નવયુવકો માટે દરેક શક્યતાઓના દ્વાર ખોલશે. આ બજેટ તમારા સપના, સંકલ્પોને નવુ ભારત બનાવવાનું બજેટ છે. હું કાલે કાશીમાં આ વિશે વિસ્તારથી વાત કરીશ.
અમને સફળતા પણ મળી છે. આજે લોકોના જીવનમાં પણ આકાંક્ષા છે. આ બજેટ લોકોને વિશ્વાસ અપાવે છે કે, દિશા સાચી છે, ગતિ સાચી છે. તેથી લક્ષ્યાંક સુધી પહોંચવું પણ નિશ્ચિત છે. આ આકાંક્ષાનું બજેટ છે. હું નિર્મલા અને તેમની ટીમને શુભેચ્છા પાઠવું છું. સરકારે ગરીબ-ખેડૂત-દલિત-પીડિત-શોષિત-વંચિતને સશક્ત કરવા માટે ચારેય બાજુથી પગલા ઉઠાવ્યા છે. હવે આગામી ૫ વર્ષમાં આ જ સશક્તિકરણ દેશના વિકાસ માટે પાવરહાઉસ બનશે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ બજેટમાં કશુ જ નવુ નથી.