અમદાવાદ : આજરોજ નાણા મંત્રી નીતિન પટેલ દ્વારા રજુ થયેલ લેખાનુદાન બજેટ ૨૦૧૯ ને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના વિકાસને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટેના રોડમેપ સમાન આજનું બજેટ સર્વસ્પર્ષી, સર્વવ્યાપી અને સર્વિહતકારી બજેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબમંત્રી નીતિન પટેલ સંવેદનશીલતા, પારદર્શીતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્તંભને આધાર બનાવી વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજના આ બજેટમાં ૨૦૨૨ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્યેયને સિધ્ધ કરવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં ખેડુતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવે છે ત્યારે, ખેડુતોને મળતી વ્યાજસહાય એકસાથે અને સમયસર મળી રહે તે માટે ૫૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડ માટેની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના ખેડુતોને ખેતી માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ જેવી કે, સિંચાઇની પુરતી સગવડ, વૈજ્ઞાનિક ઢબે જરૂરી માહિતી, સુધારેલા બિયારણો અને પુરતા પ્રમાણમાં વીજપુરવઠો ઉપલબ્ધ કરાવેલ છે. સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ જામનગર શહેર માટે રણજીત સાગર ડેમ, ભાવનગર શહેર માટે શેત્રુજી ડેમ અને રાજકોટ શહેર માટે ન્યારી-૧ ડેમ સહિત ૩૫ જળાશયો અને ૧૦૦ કરતા વધુ ચેકડેમો ભરવાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત તેમજ આદીવાસી વિસ્તારો માટે પણ જળાશય આધારીત સિંચાઇ યોજનાઓનું આયોજન કરવામાં આવેલ છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ આયુષ્યમાન ભારત યોજના દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગના નાગરિકોને પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સુરક્ષા પુરી પાડવામાં આવે છે.
ગુજરાતમાં પણ મા વાત્સલ્ય યોજના અંતર્ગત અત્યાર સુધી લાભાર્થી પરીવારોને ૩ લાખનું સુરક્ષા કવચ પુરુ પાડવામાં આવી રહ્યુ હતુ ત્યારે ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી અને માંગણીને આધારે ભાજપાના પ્રદેશ અધ્યક્ષને નાતે મારા દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આ રકમ વધારવા માટેની રજુઆત કરવામાં આવેલ હતી, તે અનુસંધાને આ બજેટમાં મા વાત્સલ્ય યોજનામાં સુરક્ષા કવચ ૩ લાખથી વધારી ૫ લાખ કરવામાં આવ્યુ છે તેમજ આવકમર્યાદા પણ ૩ લાખથી વધારી ૪ લાખ કરવામાં આવેલ છે જેનો લાભ અંદાજે વધુ ૧૫ લાખ પરીવારોને થશે. આ માટે હું મુખ્યમંત્રીશ્રી તેમજ નાયબ મુખ્યમંત્રીનો હદયપૂર્વક આભાર માનુ છું. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આજના બજેટમાં વિધવા બહેનના માસિક પેન્શનમાં વધારો, આશા ફેસીલીટેટર બહેનોના મહેનતાણામાં માસિક ૨૦૦૦ રૂપિયાનો વધારો, આંગણવાડી બહેનોના માસિક વેતનમાં વધારો, પાકિસ્તાનની જેલોમાં રહેતા માછીમારોના પરીવારોને આપવામાં આવતું દૈનિક નિર્વાહભથ્થું બમણું કરી રૂપિયા ૩૦૦ કરવામાં આવ્યુ વગેરે જેવા અનેક સંવેદનશીલ નિર્ણયો દ્વારા ભાજપા સરકારે આ બજેટમાં તમામ વર્ગોની ચિંતા કરી છે. કૃષિ વિકાસ, આરોગ્ય સેવા, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક-સામાજીક સુખાકારીને પ્રાધાન્ય આપતું જનહિતલક્ષી બજેટ રજુ કરવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.